નવસારીના કૃષ્ણપુર ગામે મટકી ફોડ કાર્યક્રમમાં દુર્ઘટના, દીવાલનો ભાગ તૂટી પડતા 7 લોકો ઈજાગ્રસ્ત
નવસારીમાં મટકી ફોડના કાર્યક્રમ દરમિયાન દુર્ઘટના સર્જાય છે. મટકીફોડ કાર્યક્રમ દરમિયાન એક તરફની દીવાલ ધરાશાયી થઈ હતી. જેમાં સાત લોકોને ઈજા પહોંચી છે.
નવસારીઃ આજે સમગ્ર દેશમાં કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી રહી છે. વિવિધ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. લોકો આનંદ-ઉમંદ સાથે ભગવાનના દર્શન કરી રહ્યાં છે. જન્માષ્ટમીના દિવસે અનેક જગ્યાએ મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. નવસારીના જલાલપોર તાલુકાના કાંઠાના કૃ્ષ્ણપુર ગામે પણ મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આ દરમિયાન એક દુર્ઘટના ઘટી છે.
મટકી ફોડ કાર્યક્રમ દરમિયાન ઘટી દુર્ઘટના
નવસારીના જલાલપોર તાલુકાના કાંઠાના કૃષ્ણપુર ગામે મટકી ફોડ કાર્યક્રમમાં દુર્ઘટના ઘટી છે. કૃષ્ણપુર ગામે જુના બસ ડેપો પાસે મટકી ફોડતા સમયે દીવાલનો એક ભાગ તૂટી પડ્યો હતો. દીવાલનો ભાગ તૂટી જતા સાત લોકોને ગંભીર રીતે ઈજા પહોંચી છે. જેમાં પાંચ બાળકો પણ સામેલ છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે નવસારી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
અચાનક દીવાલ તૂટી
આનંદ-ઉત્સાહ સાથે મટકી ફોડના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી હતી. પરંતુ દીવાલો ભાગ તૂટી પડવાને કારણે ઉત્સાહનો કાર્યક્રમ દુખમાં ફેરવાયો હતો. આ દુર્ઘટના બાદ તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. એક વ્યક્તિને વધુ સારવાર માટે સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાની જાણ થતાં પોલીસે પણ તપાસ હાથ ધરી છે.