ગુજરાતમાં જાહેર સ્થળો પર ટ્રાન્સજેન્ડર માટે અલગ ટોયલેટ બનાવા માગ, હાઈકોર્ટમાં PIL દાખલ
હવે ટ્રાન્સજેન્ડર્સ પણ પોતાની સમસ્યાના સમાધાન માટે કોર્ટના દ્વારે પહોંચ્યા છે. રાજ્યના જાહેર સ્થળો પર ટ્રાન્સજેન્ડર માટે અલગથી ટોયલેટની માંગણી કરતી અરજી ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી છે.
ઝી બ્યૂરો અમદાવાદઃ ખુલ્લામાં શૌચને રોકવા માટે સરકાર દ્વારા જાહેર સ્થળો પર શૌચાલયો બનાવવામાં આવી રહ્યાં છે. જેને કારણે આરોગ્યની દ્રષ્ટીએ અને સામાજિક દ્રષ્ટીએ બન્ને રીતે આપણી સમસ્યાઓ દૂર થઈ શકે. સરકાર દ્વારા સ્ત્રી અને પુરુષો માટે જાહેર સ્થળો પર શૌચાલયો ઉભા કરવામાં આવ્યાં છે. હજુ પણ જરૂર જણાય ત્યાં વ્યવસ્થાઓ કરવામાં આવતી હોય છે. ત્યારે હવે આ સંદર્ભે એક નવી માગ ઉઠી છે. ટ્રાન્સજન્ડરો માટે પણ અલગ ટોયલેટની માગણી કરવામાં આવી છે.
ગુજરાતમાં રાજ્યમાં જાહેર સ્થળો પર ટ્રાન્સજેન્ડર માટે અલગ શૌચાલયની માંગ સાથે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે. ટ્રાન્સજેન્ડર માટે અલગ ટોયલેટ બનાવવા માટે હાઇકોર્ટમાં PIL દાખલ કરી દેવામાં આવી છે. નામદાર કોર્ટમાં આ સંદર્ભે આગામી 16 જૂને સુનાવણી હાથ ધરવામાં આવશે.
ઉલ્લેખનીય છેકે, અત્યાર સુધી રાજ્યમાં સ્ત્રી પુરુષો માટે અનેક શૌચાલયો સરકાર દ્વારા તૈયાર કરવામાં આવ્યાં છે. જોકે, આ ઉપરાંત અલગથી ટ્રાન્સજેન્ડર માટે શૌચાલય બનાવવામાં આવે તેવો મુદ્દો હાઈકોર્ટ સમક્ષ ઉઠાવવામાં આવ્યો છે. સ્ત્રી અને પુરુષ માટેના શૌચાલયમાં ટ્રાન્સજેન્ડર જાય તો ટ્રાન્સજેન્ડરની હાજરીના કારણે ઉભા થતા ક્ષોભનો મુદ્દાનો પણ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હાઈકોર્ટે અરજી પ્રાથમિક રીતે સ્વીકારી કેન્દ્ર સરકાર સહિતના પક્ષકારોને નોટિસ ઈસ્યૂ કરી છે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જાહેરાત બાદ પણ ટ્રાન્સજેન્ડર માટે અલગ શૌચાલય ન બન્યાં હોવાની રજૂઆત સાથે જાહેર સ્થળો પર ટ્રાન્સજેન્ડર માટે અલગ શૌચાલય માટે હાઈકોર્ટમાં પીઆઈએલ કરવામાં આવી છે.