• ગાંધીનગરમાં આદિવાસી સમાજનું સંમેલન યોજાયું, જેમાં મોટી સંખ્યામાં આદિવાસી કાર્યકર્તા હાજર રહ્યા

  • મહેશ વસાવાએ કહ્યું, આદિવાસી સમાજને થઇ રહેલા અન્યાયના મુદ્દા પર સામાજિક આંદોલન સતત ચાલુ રહેશે


હિતલ પારેખ/ગાંધીનગર :આદિવાસી સમાજનાં આગેવાનોની ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે મહત્વની બેઠક મળી હતી. જેમાં આદિવાસી ધારાસભ્ય છોટુ વસાવા અને મહેશ વસાવાની આગેવાનીમાં આ બેઠક મળી હતી. જેમાં કોંગ્રેસનાં ધારાસભ્ય અનિલ જોશીયારા, આનંદ ચૌધરી સહિત આદિવાસી સમાજનાં આગેવાનો હાજર રહ્યા હતા. આ બેઠકમાં આદિવાસી સમાજ અને વિસ્તારના પ્રશ્નો સંદર્ભે ચર્ચા કરાઈ હતી. સાથે જ આદિવાસી સમાજના મુખ્યમંત્રી અંગે પણ ચર્ચા કરાઈ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2022 માં આદિવાસી મુખ્યમંત્રીની માંગણી કરાઈ 
આદિવાસી એકતા મંચ દ્વારા ગાંધીનગર સર્કિટ હાઉસમાં બેઠક બોલાવીને 2022 માં આદિવાસી મુખ્યમંત્રીની માંગણી કરવામાં આવી હતી. ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય અને આદિવાસી નેતા મહેશ વસાવાએ ઝી 24 કલાક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ગુજરાતમાં દોઢ‌ ટકાની વસ્તીના મુખ્યમંત્રી હોય તો 16 ટકાની વસ્તીવાળા આદિવાસી સમાજનો મુખ્યમંત્રી કેમ ન હોઈ શકે. પાટીદાર સમાજ, ઓબીસી સમાજ, ઠાકોર સમાજ મુખ્યમંત્રીની માંગણી કરતા હોય તો ૧૬ ટકાની આદિવાસી વસ્તીવાળા સમાજમાંથી મુખ્યમંત્રી કેમ ન હોઈ શકે. સાથે જ તેમણે મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે જાહેર થયેલા મંગુભાઇ પટેલને અભિનંદન આપ્યા હતા. સાથે જ તેમણે કહ્યું કે, તેઓ રબર સ્ટેમ્પ રાજ્યપાલ ન બને અને આદિવાસી માટે કામગીરી કરે તો જ ઉપયોગી સાબિત થશે. આદિવાસી સમાજને થઇ રહેલા અન્યાયના મુદ્દા પર સામાજિક આંદોલન સતત ચાલુ રહેશે. ચૂંટણી આવી ન જાય પણ આ લડત આદિવાસીઓ માટે ચાલુ રહેશે.


બેઠકમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા
તો બીજી તરફ, આદિવાસી એકતા સંગઠનના નામે ગાંધીનગરમાં યોજાયેલી બેઠકમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. ગાંધીનગર સર્કિટ હાઉસના કમિટી હોલમાં ખીચોખીચ ભરેલા આદિવાસી કાર્યકરો અને નેતાઓ નજરે પડ્યા હતા. ધારાસભ્ય મહેશ વસાવાની આગેવાની હેઠળ યોજાયેલી બેઠકમાં ત્રીજી લહેરને ખુલ્લું આમંત્રણ આપવામાં આવતું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા.