મોરબી: મોરબી નજીકના લીલાપર ગામની સીમમાં ગત રાત્રીના સમયે સિપાહી અને સતવારા વચ્ચે જૂથ અથડામણ થઇ હતી જેમાં તીક્ષ્ણ હથિયાર તેમજ પથ્થરના ઘા ઝીકીને પિતા-પુત્ર અને ભત્રીજાની નિર્મમ હત્યા કરવામાં આવી છે. આ બનાવની પાછળ છેલ્લા ઘણા વર્ષોથી ચાલતો જમીનનો વિવાદ કારણભૂત હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જો કે, હાલમાં પોલીસ દ્વારા મૃતકના પરિવારજનોની ફરિયાદ લેવા માટેની તેમજ આરોપીઓને પકડવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી અનુસાર મોરબીના લીલાપર ગામની સીમની બાજુમાં આવેલા બોરીયાપાટી વાડી વિસ્તારમાં ગત રાત્રીના સમયે છરી, ધોક્કા, પાઈપ અને પથ્થરના ઘા ઝીંકીને ત્રણ વ્યક્તિની હત્યા કરવામાં આવી છે. જેની પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી મુજબ દિલાવરખાન હુસેનખાન પઠાણની બોરિયા પાટી વાડી વિસ્તારમાં મોટી જમીન આવેલી છે જે જમીનનો વિવાદ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે. આ દરમ્યાન ગત રાતે પોણા એક વાગ્યાની આસપાસ બે જુથ વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો. 


જેમા દિલાવરખાન પઠાણ તેના દીકરા મોમીનખાણ દિલાવરખાન પઠાણ અને દિલાવરખાનના ભત્રીજા અફઝલ પઠાણની છરી, લાકડીના ધોક્કા, પાઈપ તેમજ પથ્થરના ઘા ઝીકીને નિર્મમ હત્યા કરવામાં આવી છે. જેથી મોરબી તાલુકા પોલીસે આ ત્રિપલ મર્ડરના બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને હાલમાં ઘટના સ્થળે પોલીસનો બંદોબસ્ત ગોઠવી દીધો છે અને મૃતકના મૃતદેહને સિવીલ હોસ્પીટલ પીએમ માટે ખસેડવામાં આવ્યા છે. 


સામા પક્ષે પણ બે વ્યક્તિને ઈજાઓ થઇ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે જો કે, આ બનાવમાં જમીનનો ડખ્ખો જ કારણભૂત છે કે પછી બાજુ કશું છે તે જાણવા માટે હાલમાં તાલુકા પોલીસ દ્વારા જુદી-જુદી દિશામાં તપાસના ઘોડા દોડાવવામાં આવ્યા છે. ત્રિપલ મર્ડરના આ બનાવમાં પોલીસે હાલમાં મૃતકના ભત્રીજા વસીમ મહેબુબખાન પઠાણની ફરિયાદ લઈને ભારત નારણભાઈ ડાભી, જયંતી નારણભાઈ ડાભી, અશ્વિન જીવરાજભાઈ ડાભી, ભારત જીવરાજભાઈ ડાભી,ક ધનજી મનસુખભાઈ, કાનજી મનસુખભાઈ, શિવા રામજીભાઈ, મનસુખ રામજીભાઈ, જીવરાજ રામજીભાઈ, પ્રવીણ શીવાભાઈ, કિશોર શીવાભાઈ અને સંજય નારણભાઈ સામે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ હાથધરી છે.