ચરોતરના આ ખમીરવંતા પાટીદાર યુવાનની સંઘર્ષની અનોખી મિશાલ, ગંભીર રોગને માત આપી એવું કરી દેખાડ્યું કે...!
તુષારભાઈ ઇન્ટરનેટની મદદથી પ્રાકૃતિક ખેતીના વિડિયો જોઈ અને રાજયપાલ આચાર્ય દેવવ્રતનાં પુસ્તક “પ્રાકૃતિક કૃષિ” માંથી પ્રાકૃતિક ખેતીની પ્રેરણા મેળવી છે. તુષારભાઈએ ખેતી માટે વિવિધ પ્રકારે નવીનતમ અને દેશી પદ્ધતિઓ વિકસાવી છે.
નચિકેત મહેતા/ખેડા: ચોથા સ્ટેજના વોકલ કોર્ડના કેન્સર જેવી ગંભીર બીમારીને માત આપી પ્રાકૃતિક ખેતી તરફ વળનાર કપડવંજના આંબલીયારા ગામના 43 વર્ષીય યુવા તુષારભાઈ ગોરધનભાઈ પટેલ કેન્સર પિડિતો અને ખેડુતો માટે મિસાલ બન્યા છે. તુષારભાઈએ આ વર્ષે મીરાપુર ગામ ખાતે ભાડે રાખેલી જમીનના ખેતરમાં પ્રાકૃતિક ખેતીની પદ્ધતિથી તડબુચ અને શક્કર ટેટીની ખેતીની શરૂઆત કરી છે.
કપડવંજના આંબલીયારા ગામમા રહેતા તુષારભાઈ પટેલને ચોથા સ્ટેજનું કેન્સર હતું. તેઓ એક વર્ષ બાદ કેન્સરની સારવારમાંથી બહાર આવ્યા, ત્યારે ઓપરેશન કર્યા બાદ શરીરમાં ઘણા ફેરફાર થયા હતા. જેમ કે, હવે તેમનું નાક બંધ કરી દેવામાં આવ્યું હતું અને શ્વાસ લેવા માટે ગળાના ભાગે એક કાણુ પાડ્યુ હતું. તેમને હવે કોઈપણ જાતની સ્મેલ પણ આવતી નથી અને સ્વરપેટી કાઢી નાખી હોવાથી બોલવા માટે મશીન વાપરવું પડે છે. આ તમામ શારીરીક, માનસિક અવરોધોને અવગણીને તુષારભાઈએ પુરા આત્મવિશ્વાસથી જ તેમના પિતા અને ભાઈની મદદથી તડબુચ અને શક્કર ટેટીની પ્રાકૃતિક ખેતી શરૂ કરી છે.
તુષારભાઈ ઇન્ટરનેટની મદદથી પ્રાકૃતિક ખેતીના વિડિયો જોઈ અને રાજયપાલ આચાર્ય દેવવ્રતનાં પુસ્તક “પ્રાકૃતિક કૃષિ” માંથી પ્રાકૃતિક ખેતીની પ્રેરણા મેળવી છે. તુષારભાઈએ ખેતી માટે વિવિધ પ્રકારે નવીનતમ અને દેશી પદ્ધતિઓ વિકસાવી છે. જેમ કે, તેમના ખેતરમાં જમીનની અંદર રહેલા અળસીયા સહિતના સજીવોને ભેજ મળે અને જમીનની ફળદ્રુપતા વધે તે હેતુથી તુષારભાઈએ તડબૂચના ખેતરના તમામ ચાસ ઉપર સળંગ મલ્ચીંગ પદ્ધતિથી ખેતી કરેલ છે. તડબુચ ઉપર કોઈપણ રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાના છંટકાવની જગ્યાએ દેશી ગાયનુ દૂધ, દેશી ગોળ અને હળદરના મિશ્રણ તેમજ દસ પર્ણી અર્કથી બનાવેલ દવાનો છંટકાવ કરવામા આવે છે.
ઉપરાંત, જમીનની ફળદ્રુપતા વધારવા ખાસ પ્રકારના બેક્ટરીયાનો ઉપયોગ કરવામા આવે છે. દેશી ગાયનું છાણ, ગૌમૂત્ર, દિવેલીનો ખોળ અને લીંબોળીના ખોળના મિશ્રણથી તૈયાર કરવામાં આવેલા જીવામૃતનાં ઉપયોગથી બેક્ટેરીયા જમીનની ફળદ્રુપતા વધારે છે અને ઉત્પાદિત થતા ફળની મીઠાશ વધારે છે. આ બેક્ટેરિયા માટે ૪૦૦૦ લીટરની કેપીસીટી ધરાવતી હવાબંધ ટાંકી બનાવેલી છે. જેમાં બેક્ટેરિયા કલ્ચર, છાશ અને દેશી ગોળની મદદથી સાત દિવસ સુધી પ્રવાહીને હલાવીને બેક્ટેરીયા તૈયાર કરવામાં આવે છે.
વળી ખાતર માટેની ખાસ વ્યવસ્થા અંતર્ગત દેશી ગાયનું છાણ, ગૌમૂત્ર, સરગવાના પાન, શક્કરીયા, કોળું ઈત્યાદી ઓર્ગેનીક વેસ્ટ નાખી તૈયાર કરવામાં આવેલુ પ્રવાહી ખાતર તેમજ દસ જાતના પાંદડા જેમ કે ધતુરો, અરણી, સીતાફળ, લસણ વગેરેના મિશ્રણથી તૈયાર કરવામાં આવતી જંતુનાશક દવા અને ખાતર પ્રાકૃતિક ખેતી માટે ઉપયોગમા લેવામાં આવે છે. તુષારભાઈએ ખેતરમાં જિવામૃત માટેનો એક એરોબિક જિવામૃત પ્લાન્ટ ઊભો કર્યો છે. જેમાંથી ખેતી માટે તેઓ દરરોજ ૪૦૦ લિટર જીવામૃતનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત ખેતરમાં આવેલા કુવાના પાણીને સેન્ડ ફિલ્ટર-માઈક્રો ફિલ્ટર મશીન વડે શુદ્ધ કરીને ખેતી માટે વાપરવામાં આવે છે.
તડબુચ અને ટેટીના નવજાત છોડને જિવાતોથી બચાવવા આખા ખેતરમાં થોડા થોડા અંતરે પીળા કાગળના સ્ટીકી ટ્રેપ પણ લગાવવામા આવ્યા છે. જેથી ખેતી માટે નુકસાનકારક કીટ-જિવાતો આ પીળા કાગળથી આકર્ષાઈને તેમા ચોંટી જાય છે અને મરી જાય છે. ઉલ્લેખનીય છે કે ખેડુતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તેના માટે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અથાક પ્રયત્નો કરી રહ્યા છે. વિવિધ કાર્યક્રમો દ્વારા તેઓ રાજ્યના દરેક ખૂણાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવી તેનું જ્ઞાન આપી રહ્યા છે. પ્રાકૃતિક ખેતીથી જમીનની ઉત્પાદન ક્ષમતાને નુકસાન થયા વિના આરોગ્યપ્રદ અને સમતોલ ખેત-પેદાશો ઉત્પન્ન કરી શકાય છે. તેમજ પાણીની બચત થી સફળ ખેતી કરી શકાય છે.
ખેડા જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી મેહુલભાઈ દવેના માર્ગદર્શન હેઠળ એગ્રીકલ્ચરલ ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી (આત્મા) કચેરી દ્વારા પણ ટકાઉ કૃષિ વિકાસ તથા પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતોને શિક્ષિત કરવામાં આવી રહ્યા છે. પરીણામે જીલ્લામાં ઘણા ખેડૂતો સફળતાપૂર્વક પ્રાકૃતિક ખેતી કરી ખૂબ જ સારું પાક ઉત્પાદન મેળવી રહેલ છે. જેનાથી ખેડૂતોની આવકમાં પણ વધારો થયેલ છે. ખેડા જિલ્લામાં અત્યાર સુધી કુલ ૨૨,૫૮૪ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી છે જે પૈકી અત્યારે સુભાષ પાલેકર નેચરલ ફાર્મિંગ પદ્ધતિથી ૧૧,૭૩૭ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે.
તુષારભાઈનું માનવુ છે કે અત્યારે નાની ઉંમરે શરીરમાં થતી ઘણી બિમારીઓનું કારણ આપણા ખોરાકમાં આવતા કેમિકલ ત્તત્વો છે. પોતાના કેન્સરના અનુભવની વાત કરતા તુષારભાઈ જણાવે છે કે તેમની વોકલ કોર્ડ કેન્સરની બીમારીનું કારણ રાસાયણીક ખાતરોથી તૈયાર કરેલી આહારમા લેવાતી ખેત પેદાશો છે. પરીણામે તેમણે આ નવા જીવનને પ્રાકૃતિક ખેતી માટે સમર્પણ કર્યુ છે અને સંકલ્પ કર્યો છે કે હવેથી લોકોને ઝેરી કેમિકલ વગરના અને પોષણથી ભરપૂર ખોરાક આપવા માટે તેઓ પોતે પહેલ કરશે. સાથે સાથે કેન્સરના દર્દી માટે પણ પ્રેરણા રૂપ બની અને તેમની મદદ કરવી છે.
નવાઈની વાત છે કે અગાઉ તુષારભાઈ પટેલ ફાઈબર નેટવર્ક હેડ તરીકે માસિક રૂપિયા બે લાખની આવક થી નોકરી કરતા હતા. પરંતુ ખેતીમા કંઈક નવું કરી બતાવવાના જોશને કારણે તેઓ આજે પ્રાકૃતિક ખેતીને અપનાવી છે. ત્યારે ચરોતરની ભુમિના આ ખમીરવંતા યુવાને ખરેખર સંધર્ષની અનોખી મિસાલ આપી છે.