અતુલ તિવારી/અમદાવાદ :સોમનાથ મંદિર ટ્રસ્ટના નામે છેતરપિંડી કરાતી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. સોમનાથ મંદિર ટ્રસ્ટ તરફથી કરાયેલી ફરિયાદના આધારે સાયબર ક્રાઇમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં સોમનાથમાં આવેલા લીલાવતી, સાગર દર્શન અતિથિ ગૃહની ફેક વેબસાઈટ બનાવી લાખોની છેતરપિંડી કરાઈ હતી. આ કેસના બે આરોપીઓને પોલીસે દિલ્હીથી ઝડપી પાડ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા અતિથિગૃહની સુવિધા આપવામાં આવે છે. ત્યારે અતિથિગૃહની સુવિધાને દિલ્હીના બે ઠગબાજોએ છેતરપીંડીનો વ્યવસાય બનાવ્યો હતો. 203 યાત્રિકો સાથે અતિથિ ગૃહમાં રોકાણ માટે ઓનલાઈન નાણાં વસૂલી છેતરપિંડી કરાઈ હતી. મુસાફરો સાથે કુલ 25 લાખ રૂપિયાની છેતરપિંડી કરાઈ હતી. ત્યારે આ અંગે ફરિયાદ થતા સાયબર ક્રાઇમ દ્વારા દિલ્હી ખાતેથી વિનય પ્રજાપતિ અને અમર પ્રજાપતિ બંને ભાઈઓને ઝડપી લેવાયા છે.


બંને ભાઈઓએ વેબસાઇટ બનાવી છેતરપિંડી કરી હતી, 70 હજાર રૂપિયામાં આ વેબસાઈટ બંને દ્વારા બનાવવામાં આવી હતી. આરોપી વિનય બી.કોમનાં બીજા સેમેસ્ટરમાં અને આરોપી અમર બી.એસસીના ત્રીજા સેમ.માં અભ્યાસ કરે છે. જોકે, આ બે આરોપીઓ સિવાય અન્ય આરોપીઓ પણ છે. જેમને શોધવા સાયબરની ટીમે ચક્રો ગતિમાન કર્યાં છે. 



સોમનાથ ટ્રસ્ટની ફેક વેબસાઈટ બનાવી છેતરપિંડી કરવાના કિસ્સામાં અન્ય આરોપીઓની પણ શોધખોળ શરૂ કરાઇ છે. અન્ય આરોપીઓને ઝડપી પાડવા સાયબર ક્રાઇમ દ્વારા રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે. આરોપીઓએ જે પૈસા છેતરપિંડી કરી મેળવ્યા હશે, આરોપીએ એ રૂપિયાથી જે પણ ખરીદ્યું હશે તે તમામ ચીજો કબ્જે કરાશે. 


જે અતિથિ ગૃહ સોમનાથ ટ્રસ્ટ ચલાવે છે, ત્યાં પ્રવાસીઓને રોકાવા માટે ફેક વેબસાઈટ બનાવી લોકો પાસેથી ઓનલાઇન પેમેન્ટ મેળવવામાં આવ્યું હતું. છેલ્લા બે અઢી માસથી આ પ્રકારની છેતરપિંડી આચરવામાં આવી રહી હતી. ત્યારે કોના કહેવાથી આ વેબસાઈટ બની, રૂપિયા કોના સુધી ગયા, કોલ જે કરે છે એ તમામને ઝડપી પાડવા પ્રયાસો શરૂ કરાયા છે.