iPhoneનો શોખ ભારે પડ્યો! મોજશોખ પુરા કરવા બે મિત્રોએ પંટ્રોલ પંપ કર્મચારીને લૂંટ્યો, મોટો ખેલ કર્યો, પણ...
આ સમગ્ર ઘટનામાં પોલીસે ગણતરીના દિવસોમાં જ એક આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.પોલીસે જે આરોપીને ઝડપી પાડ્યો છે તેની પાસેથી પોલીસને 1.75 લાખ રૂપિયા રોકડા અને એક iphone 15 pro જેની કિંમત ₹1,45,000 છે તે મળી આવ્યો છે.
ઝી બ્યુરો/સુરત: શહેરના અંધાણ વિસ્તારમાં બે દિવસ પહેલા રાત્રિના સમયે પેટ્રોલ પંપ કર્મચારીને લૂંટી લેવામાં આવ્યો હતો. પેટ્રોલ પંપ બંધ કરી 4.30 લાખ રૂપિયા લઈને કર્મચારી જતો હતો ત્યારે રસ્તામાં આંતરીને બે અજાણ્યા લૂંટારો લૂંટ કરીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ લૂંટની ઘટનામાં અલથાણ પોલીસે તાત્કાલિક એક આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપીએ આર્થિક તંગી અને iphone મોબાઈલ ખરીદવા માટે લૂંટ કરી હોવાની કબુલાત પોલીસ સમક્ષ કરી છે.
પોલીસે મુખ્ય આરોપીની કરી ધરપકડ
સુરત શહેરમાં ક્રાઈમની ઘટનાઓમાં ઉત્તરોત્તર વધારો જોવા મળી રહ્યો છે. નવરાત્રી દરમિયાન દસ હત્યાની ઘટનાઓ સામે આવ્યા બાદ બે દિવસ પહેલા જ અલથાણ વિસ્તારમાં રાત્રિના સમયે પેટ્રોલ પંપ નો કર્મચારી પંપ બંધ કર્યા બાદ 4.30 લાખનું કલેક્શન લઈને જઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા બે શખ્સોએ તેને આંતરીને તેની પાસે રહેલી 4.30 લાખ કેસ ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયા હતા.આ ઘટના બનતાની સાથે જ સુરત શહેરની અલથાણ પોલીસ સહિત વિવિધ બ્રાન્ચો આરોપીઓને શોધવા માટે કામે લાગી હતી. આ ઘટના સીસીટીવી માં કેદ થઈ હતી અને સીસીટીવીના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી.
પેટ્રોલપંપ નો પૂર્વ કર્મચારી જ નીકળ્યો આરોપી
આ સમગ્ર ઘટનામાં પોલીસે ગણતરીના દિવસોમાં જ એક આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.પોલીસે જે આરોપીને ઝડપી પાડ્યો છે તેની પાસેથી પોલીસને 1.75 લાખ રૂપિયા રોકડા અને એક iphone 15 pro જેની કિંમત ₹1,45,000 છે તે મળી આવ્યો છે. અન્ય એક આરોપી લૂંટ કર્યા બાદ ૮૦ હજાર રૂપિયા લઈને મહારાષ્ટ્ર જતો રહ્યો હોવાથી તેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. મહારાષ્ટ્રથી આ આરોપીને પકડવા માટે અલથાણ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.સુરત શહેરના અલથાણ વિસ્તારમાં રહેતો અને પાણીપુરીની લારી ચલાવતો આકાશ ઉર્ફે લાલિયા ભાઈદાસ ગવાલે અગાઉ આ જ પેટ્રોલ પંપ ઉપર નોકરી કરતો હતો અને લૂંટ કરવા પહેલાં પણ તેણે આ કર્મચારી કયા રસ્તેથી આવન જાવન કરે છે તે માટેની રેકી કરી હતી.
રૂ 4.30 લાખની લૂંટ ચલાવાય હતી
પોલીસે જ્યારે આ આરોપીની ધરપકડ કરી છે ત્યારે આકાશ ઊર્મેલાએ પોલીસ સમક્ષ કબુલાત કરી છે કે તેના ઘરની આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે તેણે આ લૂંટનો પ્લાન બનાવ્યો હતો.જોકે લૂંટનો પ્લાન આર્થિક સ્થિતિ ઉપરાંત iphone 15 pro ખરીદવા માટે પણ બનાવ્યો હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. કારણ કે આરોપી પાસેથી રોકડા રૂપિયા ઉપરાંત લૂંટના રૂપિયાથી ખરીદેલો iphone 15 pro પણ મળી આવ્યો છે. પોલીસે રોકડા રૂપિયા 1,75,000 અને iphone 15 pro કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત આરોપીઓએ લૂંટ સમયે વાપરેલો બાઈક પણ પોલીસે કબજે લીધું છે.
મોબાઈલ અને રૂ 1.75 લાખ કબ્જે કર્યા
પોલીસે આરોપીની ધરપકડ કરી તેના રિમાન્ડ મેળવવાની તજવીજ પણ હાથ ધરી છે અને અન્ય આરોપી કિરણ ગૌલીને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. લૂંટ બાદ આકાશ અને કિરણ બંને છુટા પડી ગયા હતા. આકાશ સુરતમાં જ રોકાયો હતો જ્યારે કિરણ મહારાષ્ટ્ર તરફ નાસી જવામાં સફળ થયો છે. કિરણ 80 હજાર રૂપિયા લઈને મહારાષ્ટ્ર ગયો છે તેને પણ ઝડપી પાડવા માટે પોલીસે વિવિધ ટીમો મહારાષ્ટ્ર રવાના કરી છે.