અતુલ તિવારી/અમદાવાદ: આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે સમગ્ર દેશમાંથી 75 સેટેલાઈટ લોન્ચ કરાશે. 75 માંથી 2 સેટેલાઈટ અમદાવાદમાં આવેલી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓ ISRO નાં સહયોગથી લોન્ચ કરશે. રાજ્યની બે સરકારી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ઇસરોના વૈજ્ઞાનિકો સાથે કામ કરવાની તક મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

GTU નાં 60 જેટલા વિદ્યાર્થીઓને ભારત સરકારના પ્રોજેક્ટમાં કામ કરવાની તક મળશે. પ્રથમ વખત વિદ્યાર્થીઓ સેટેલાઈટ ક્ષેત્રે ISRO નાં વૈજ્ઞાનિકો સાથે રહી કામ કરશે. GTU દ્વારા છોડવામાં આવનાર સેટેલાઈટ કલાઇમેટ ચેન્જ ક્ષેત્રે સંશોધન કરશે. સેટેલાઈટના તમામ ડેટા GTU નાં કેમ્પસમાં રીસિવ થશે. સેટેલાઈટના ડેટા રિસીવ કરવા માટે 2 હજાર સ્કેવર ફૂટની જગ્યામાં સેટઅપ તૈયાર કરાશે. 1 સેટેલાઈટ લોન્ચ કરવા માટે અંદાજે 1 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. તમામ 75 સેટેલાઈટ દેશની જુદી જુદી યુનિવર્સિટીઓ દ્વારા લોન્ચ કરાશે.


GTU નાં કુલપતિ નવીન શેઠે જણાવ્યું હતું કે, 1 સેટેલાઈટ લોન્ચ કરવામાં 1 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. 80 ટકા ખર્ચ જે તે યુનિવર્સિટી ભોગવશે, જ્યારે 20 ટકા ખર્ચ માટે રાજ્ય સરકાર મદદ કરશે. ભારત સરકાર દ્વારા સ્પેસ ટેકનોલોજીના જે કામ થઈ રહ્યું છે, તેનો વિદ્યાર્થીઓને લાભ મળશે. ઓપન સિલેકશનના માધ્યમથી 60 જેટલા GTU હસ્તકની કોલેજના વિદ્યાર્થીઓ આ પ્રોજેક્ટમાં કામ કરવાની તક અપાશે. 6 મહિનામાં સેટેલાઈટ લોન્ચિંગ માટેની કામગીરી પૂરી કરીને એક વર્ષમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવશે. ISRO સહિતની તકનિકી સંસ્થાઓ વિદ્યાર્થીઓને મદદ કરશે. 


સેટલાઈટ બનાવવામાં અને છોડ્યા બાદ કોઈ ટેકનિકલ ખામી આવે તેમાં ISRO નાં વૈજ્ઞાનિકો મદદ કરશે. સેટેલાઈટનાં જે ડેટા હશે, એ GTU કેમ્પસમાં બનાવેલા સેટઅપમાં રીસીવ થશે. અમારા સોફ્ટવેરમાં આવેલા ડેટાનું એનાલીસિસ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવશે. 


ઉલ્લેખનીય છે કે, આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત પીએમ મોદીએ એક સાથે 75 સેટેલાઈટ દેશની જુદી જુદી યુનિવર્સિટીઓ લોન્ચ કરે તેવું આહ્વાન કર્યું હતું, જેના ભાગરૂપે ભારત સરકાર જુદી જુદી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તેમજ ઇસરોની મદદથી એક સાથે 75 સેટેલાઈટ લોન્ચ કરશે. એવિએશન તેમજ સ્પેસ રિસર્ચ ક્ષેત્રમાં વિદ્યાર્થીઓની રૂચિ વધે એ માટે પીએમ દ્વારા આહ્વાન કરાયું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube