ચેતન પટેલ/સુરત :વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગયા બાદ આચારસહિતા લાગુ હોવાથી પોલીસ અને ચૂંટણી પંચની ટીમ દ્વારા સતત ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ગઈકાલે રાત્રે સુરતમાં સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોડી રાત્રે ચેકિંગ ચાલુ હતું. તે દરમિયાન નિયોલ ચેકપોસ્ટ પાસેથી બે ઈસમો પગપાળા આવી રહ્યા હતા. તેમનું ચેકિંગ કરવામાં આવતા તેમની પાસે રાખેલી ચાર બેગમાંથી એક કરોડથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગઈકાલે મોડી રાત્રે શહેરના નવા બનેલા સારોલી પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને ચૂંટણી પંચના સભ્યો ચેકિંગમાં હતા. તે દરમિયાન કડોદરા તરફથી બે ઈસમો સુધીરસિંહ અને રજનીશ પોલ તેમના હાથમાં ચાર બેગ લઈને આવી રહ્યા હતા. પોલીસને બાતમી મળી હતી કે, કોઈ બે ઈસમો રોકડા રૂપિયા અને સોનાના બિસ્કીટ લઈને આવી રહ્યા છે. જે બાબતે આ બંનેને અટકાવીને તેમનું ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં તેમની પાસે રાખેલી બેગમાંથી સારોલી પોલીસને રોકડા રૂપિયા તેમજ 15 સોનાની બિસ્કીટ મળી આવ્યા હતા. બંને ઈસમોની પૂછપરછ કરતા તેઓ કોઈ સોનાના વેપારી માટે આ સોનું લાવ્યું હોવાનું પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું હતું. 


જોકે મોટી પ્રમાણમાં રોકડા રૂપિયાના બંડલ હોવાથી પોલીસે બંનેની અટકાયત કરીને વધુ પૂછપરછ હાથ ધરી હતી. રોકડા રૂપિયાની ગણતરી કરતા કુલ 63. 88 લાખ રૂપિયા તેમજ સોનાના 15 બિસ્કીટ જેની કિંમત 52,50,000 થાય છે. તથા તેમની પાસે બેગમાં રાખેલા બે લેપટોપ અને ચાર મોબાઈલ પણ પોલીસે કબજે કર્યા હતા. આ તમામ મુદ્દા માલની કુલ કિંમત 1 કરોડ 16 લાખ 99 હજાર 700 રૂપિયા થાય છે. આ તમામ વસ્તુઓ કબજે કરીને સારોલી પોલીસે બંને ઈસમોની ધરપકડ કરી છે અને આટલી મોટી સંખ્યામાં રોકડા રૂપિયા ક્યાંથી લાવ્યા અને સુરતમાં કોને પહોંચાડવાના હતા તે બાબતે વધુ તપાસ હાથ ધરી છે.


ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ હોવાથી હાલ આચારસંહિતા ચાલુ હોવાથી રોકડા રૂપિયાની હેરફેર કરવા પર ચૂંટણી પંચ દ્વારા નજર રાખવામાં આવી રહી છે. જેને લઇને સુરતની તમામ ચેકપોસ્ટ પર આ પ્રકારે ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે. બે દિવસ અગાઉ જ શહેરના ભટાર વિસ્તારમાંથી પણ પોલીસને એક કારમાંથી 20 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. જ્યારે ગઈકાલે રાત્રે આ બે ઈસમો પાસેથી 62 લાખ રૂપિયા રોકડા મળી આવતા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. હવે આ રોકડા રૂપિયા કોઈ વેપારીના છે કે, પછી ચૂંટણીના ફંડ માટે વપરાવવાના હતા તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. તેમજ ઈસમોએ જે પ્રમાણે જણાવ્યું કે સોનાના વેપારીના રૂપિયા અને સોનું છે. તેને ધ્યાને લઈને સારોલી પોલીસે આ કેસમાં હવે ઈન્કમટેક્સ વિભાગને પણ સામેલ કર્યું છે.