અમદાવાદની અડધી વસ્તીનું ‘સફેદ સોનુ’ ચોરતા 2 આરોપી પકડાયા
Ahmedabad News : અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સફેદ સોનાની ચોરી... 45 થી વધુ દૂધ ચોરીની ઘટના બની... સીસીટીવીમાં બાઇક ચાલકો કેદ થયા બાદ પોલીસ એક્શનમાં આવી... વેપારીઓમાં હતો ભયનો માહોલ
Ahmedabad News ઉદય રંજન/અમદાવાદ : અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં એક વર્ષથી રોજ અજીબોગરીબ ઘટના બની રહી છે. ડેરીના વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓ ત્રાહિમામ પોકારી ગયા છે. અમદાવાદના પૂર્વ વિસ્તાર એવા નરોડા, નિકોલ, બાપુનગર, વસ્ત્રાલ, ઓઢવ, ખોખરા, અમરાઈવાડી સહિતના વિસ્તારોમાં રોજ સફેદ સોનાની ચોરી થાય છે. આ સોનુ ચોરવા માટે ચોર માત્ર 3 થી 6 નો સમય નક્કી કરે છે. પૂર્વ વિસ્તારમાં શુ છે સફેદ સોનાની કાળી કમાણીની હકીકત જોઈએ અહેવાલમાં.
અમે જે સફેદ સોનાની વાત કરીએ છે એ છે દૂધ. આજની વધતી મોંઘવારીમાં દૂધ એટલુ મોંઘુ થઈ રહ્યું છે, હવે તેની ચોરી થવા લાગી છે. તેથી હવે તેને સફેદ સોનુ જ કહેવું પડે. અમદાવાદ શહેરનો પૂર્વ વિસ્તાર દિવસ રાત લોકોની અવર જવરથી ધમધમતો વિસ્તાર છે. અહીં દિવસ રાત ભલે લોકોની અવર જવર હોય છે, પણ આ લોકોની અવર જવર વચ્ચે સફેદ સોનાના ચોર સક્રિય થયા છે. પૂર્વના અનેક વિસ્તારોમાં છેલ્લા એકાદ વર્ષથી દૂધ વિક્રેતા પોતાની દુકાને આવે ત્યાં દૂધની થેલીઓ ઓછી હોવાનું સામે આવતું હતું. વેપારીઓએ તપાસ કરી તો કોઈ વેપારીઓએ સીસીટીવી જોયા તો સામે આવ્યું કે સફેદ સોનાની રોજેરોજ ચોરી થાય છે. દૂધની ચોરી કર્યા બાદ ચોરો કાળી કમાણી કરે છે.
પહેલા તસ્કરોએ નિકોલ કૃષ્ણ નગર અને બાપુનગરમાં દૂધ ચોરીની શરૂઆત કરી હતી. બાદમાં ફાવટ આવતા અને પોલીસની નિષ્ક્રિયતા સાથે કોઈ ફરિયાદ ન થતા આરોપીઓની હિંમત વધી. આરોપીઓ રિંગ રોડ ધરાવતા ઓઢવ, નરોડા, નિકોલ, સરદાર નગર જેવા વિસ્તારોમાં ફરવા લાગ્યા હતા. અને અહીં એક બાદ એક ચોરીઓ વધતી ગઈ. દૂધની ઘટ થતા વેપારીઓ દૂધ મુકવા આવનારને પૂછતા પણ કોઈ યોગ્ય જવાબ ન મળતો. બાદમાં એક બાદ વેપારીઓની નજરમાં સીસીટીવી સામે આવ્યા. જેમાં બે લોકો રોજેરોજ દૂધની થેલીઓ અને કેરેટ લઈને જતા નજરે પડ્યા.
એક બાદ એક ઘટનાઓ બની. પરંતું ચોર પકડાયા નહિ, આમ આરોપીઓની હિંમત વધી ગઈ. કેમકે ના તો પોલીસ ફરિયાદ નોંધે છે, ના તો વેપારીઓ દુકાનની અંદર માલ મૂકે છે. આ જ કારણથી આરોપીઓએ એક બાદ એક ચોરીને અંજામ આપ્યો. એક બે કે પાંચ દસ નહિ પણ સમગ્ર પૂર્વ વિસ્તારમાં 45 થી વધુ ચોરીને અંજામ આપ્યો.
આરોપીઓ એક બાદ એક ચોરીને અંજામ આપતા હવે વેપારીઓ સક્રિય થયા છે. પોલીસ પાસે જતા પહેલા નાની રકમની ચોરી હોવાથી પોલીસ અરજી કે ફરિયાદ ન લેતી. પણ ઓઢવ પોલીસે આ બાબત ગંભીરતાથી લીધી અને એક ટીમ બનાવી આરોપીઓને શોધવામાં લાગી હતી. જેમાં સીસીટીવી ફૂટેજ આધારે પોલીસે નરોડાના દિપક ઠાકોર અને દશરથ ઉર્ફે અમરત ઉર્ફે કાળિયો ઠાકોરની ધરપકડ કરી છે. આરોપીઓએ એકાદ વર્ષથી કરેલી ચોરીનો આંક 40 થી વધુ સામે આવ્યો છે. દૂધ ચોરવાનું કારણ માત્ર આસાનીથી મળી જતો આ માલ સસ્તા ભાવે વેચી રૂપિયા કમાવવાનું હોવાનું પણ સામે આવ્યું.
આ વિશે જે ડિવિઝનના એસપી કૃણાલ દેસાઈએ જણાવ્યું કે, આરોપીઓ લેથ મશીનના કારખાનામાં આઠ દસ હજારના પગારની નોકરી કરતા પણ ત્યાં મજૂરી ઓછી મળતી હતી. તેથી રૂપિયા ઓછા મળતા એટલે દૂધ ચોરવાનું શરૂ કર્યું. આરોપી દિપક ગુનાહિત ઇતિહાસ પણ છે, તેઓ નરોડા વિસ્તારમા લૂંટના ગુનાને અંજામ આપી ચૂક્યા છે. આરોપીઓ એક વર્ષથી ચોરી કરતા અને સફેદ દૂધ વેચી કાળી કમાણી કરતા હતા.
હાલ પોલીસ પાસે આરોપીઓએ 45 ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. પણ આરોપીએ એકાદ વર્ષમાં 60 થી વધુ ચોરી કરી હોવાનું પોલીસ માની રહી છે. ત્યારે બંને આરોપીઓ પાસેથી સફેદ દૂધ બ્લેકમાં લેનાર આરોપીઓ કોણ છે તે આરોપીઓની હાલભાળ મેળવવા પોલીસ સક્રિય બની છે.