પ્રેમલ ત્રિવેદી (પાટણ) /તેજસ દવે (મહેસાણા):  3 એપ્રિલ 2013ના રોજ રાજકોટમાં એક નેપાળી પરિવારે મનપા કચેરીમાં આત્મવિલોપન કર્યુ હતું. આ ઘટનાની યાદ ફરીએકવાર તાજી થઈ છે. જોકે આ વખતે પરિવાર બદલાયો અને સ્થળ બદલાયા છે. આ વખતે પાટણમાં એક યુવકે જિલ્લા સેવાસદનમાં પોતાને આગ ચાંપી દીધી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાટણ જિલ્લા સેવાસદનમાં જમીન વિવાદને લઈને આત્મવિલોપનની આગ ભભૂકી ઉઠી છે. પાટણ જિલ્લાના સમી તાલુકાના દુદખા ગામનો પરિવાર લાંબા સમયથી જમીન વિવાદને લઈને તંત્ર સમક્ષ રજૂઆતો કરી રહ્યો હતો. પરંતુ તેમની રજૂઆત પર તંત્ર દ્વારા કોઈ ધ્યાન અપાતુ નહોતું. જેને પગલે તેમણે અગાઉ આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી હતી. અને આ ચીમકી સાથે જ તેઓ બેનર અને જ્વલંતશીલ પ્રવાહી લઈને જિલ્લા સેવાસદન આવી પહોંચ્યા હતા.



જોકે પોલીસે વિરોધકર્તાઓના હાથમાંથી બેનર લઈ લીધા હતા. તે સમયે ઊંઝાના ભાનુભાઈ નામના યુવકે પોતાના શરીર પર કેરોસીન છાંટીને આગ ચાંપી દીધી અને કલેક્ટર કચેરી તરફ દોટ મુકી. એક માનવીના સળગતા દ્રશ્યો જોઈને સૌ કોઈ હતપ્રત રહી ગયા. તાત્કાલીક પોલીસ અને ફાયરફાઈટરોએ પાણી અને ફાયર સેફ્ટીની બોટલથી યુવકને બચાવવાના પ્રયાસો શરૂ કરી દીધા. જોકે આ દ્રશ્યો પરથી લોકોની નજર હટે તે પહેલા બીજો યુવક પણ આત્મવિલોપન કરવા લાગ્યો પરંતુ સ્થળ પર હાજર પોલીસે તેને પકડી લીધો હતો.


વીડિયો જુઓ : પાટણમાં કલેક્ટર ઓફિસ સામે આત્મવિલોપનનો પ્રયાસ


આ ઘટનાથી સ્થળ પર હાજર સૌકોઈ હેબતાઈ ગયા. જેમાં રોષની સાથે દુદખા ગામના લોકો વિરોધ દર્શાવવા રસ્તા પર  ઉતરી આવ્યા હતા. પોતાના સમાજના યુવકને સળગતો જોઈ ગયેલા આ લોકોએ રસ્તા પર બેસીને વિરોધ નોંધાવ્યો હતો. જે પગલે પોલીસે કેટલાક યુવકોની અટકાયત કરી લીધી હતી.. 


આત્મવિલોપન કરનાર ભાનુભાઈને મહેસાણાની હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સ્થળ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.. તેમણે આક્રોશ સાથે ભારે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. જોકે હાલ તો ભાનુભાઈની હાલત ગંભીર હોવાથી તેને અમદાવાદ ખસેડવામાં આવ્યા છે. પરંતુ આ ઘટના નાના ગામમાં વસતા લોકોની સમસ્યાઓ રજૂ કરી રહી છે. જે હવે રાજકીય મુદ્દો પણ બની છે.