રાજકોટ/મહેસાણા/ગાંધીનગરઃ ભાદરવાની શરૂઆતની સાથે જ રાજ્યમાં સ્વાઈન ફ્લૂ પણ ધીમે ધીમે માથું ઊંચકી રહ્યો છે. શનિવારે રાજ્યમાં સ્વાઈન ફ્લુથી બે મોત નોંધાયા છે. રાજકોટમાં મૂળ વેરાવળના 60 વર્ષના વૃદ્ધનું, જ્યારે ઊંઝાના સુરપુરા ગામમાં 42 વર્ષના એક વ્યક્તિનું સ્વાઈન ફ્લુથી મોત થતાં આરોગ્ય તંત્ર એલર્ટ થઈ ગયું છે. રાજકોટમાં અત્યાર સુધી 15 પોઝિટિવ કેસ સામે આવ્યા છે, જેમાં એક સગર્ભા મહિલાનું બે દિવસ અગાઉ મોત થયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં વધતાં સ્વાઈનફ્લૂના કેસ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગાંધીનગરમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર સ્વાઈન ફ્લુન અંગે ચિંતિત છે. સરકાર વધતા જઈ રહેલા કેસ પર ધ્યાન આપી રહી છે. સ્વાઈનફ્લૂના દર્દી માટે રાજ્યની તમામ હોસ્પિટલો સજ્જ છે અને સ્વાઈન ફ્લુના વિશેષ વોર્ડ ઊભા કરી દેવા સુચના આપી દેવાઈ છે. અમદાવાદમાં વધી રહેલા કેસને લઈને અમદાવાદના કમિશનરને પણ સ્વચ્છતાને બાબતે ધ્યાન આપવા સુચના અપાઈ છે. 


રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવતા સ્વાઇન ફલૂના દર્દીને યોગ્ય સારવાર મળે તે માટે 30 બેડ અને 15 વેન્ટિલેટર અલાયદા રાખવામાં આવ્યાં છે. સ્વાઇન ફલૂના દર્દીને યોગ્ય સારવાર મળી રહે તે માટે ખાસ દવાઓ અને ફીઝીશીયન તહેનાત કરવામાં આવ્યાં છે. હાલ રાજકોટ સિવિલમાં 2 અને ખાનગી હોસ્પિટલમાં 8 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. અત્યાર સુધી રાજકોટમાં સ્વાઈન ફ્લુના 15 પોઝીટીવ કેસ સામે આવ્યા છે, જેમાં ગીર-સોમનમાથ જિલ્લાની સગર્ભા મહિલા અને વેરાવળના વૃદ્ધનું મોત થયું છે. 


શનિવારે વડા પ્રધાન દ્વારા શરૂ કરાયેલા સ્વચ્છતા અભિયાન સંદર્ભે રાજકોટ પૂર્વના ધારાસભ્ય અરવિંદ રૈયાણી અને રાજકોટના સાંસદ મોહન કુંડારિયાએ રાજકોટ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમણે સ્વચ્છતા અંગે હોસ્પીટલના સ્ટાફને શપથ લેવડાવ્યા હતા. સાસંદ મોહન કુડારીયાએ સીવીલ હોસ્પીટલના સુપ્રીટેન્ડેન્ટ પાસેથી સ્વાઇનફલુ અને ડેગ્યુના કેસની વિગતો અને સારવાર માટેની વ્યવસ્થા અંગે માહીતી મેળવી હતી અને સ્વચ્છતા જાળવવા હોસ્પિટલ તંત્રને ટકોર કરી હતી.