Vadodara News જયંતી સોલંકી/વડોદરા : સંસ્કારી નગરી વડોદરાની એમ.એસ.યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે. યુનિવર્સિટીના સંસ્કૃત મહાવિદ્યાલય બહાર બે લોકોને નમાજ પઢતો વીડિયો વાયરલ થતા વિવાદ થયો છે. કેમ્પસની બહાર એક પુરુષ અને એક મહિલાએ નમાઝ પઢી હતી. ત્યારે આ મામલે વિશ્વ હિન્દુ પરિષદ ઉગ્ર બન્યું છે. વિશ્વ હિન્દુ પરિષદના કાર્તિક જોશીએ આ મામલે આંદોલનની ચીમકી આપી છે. સાથે જ વાયરલ પર તપાસ કરવાની અપીલ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બન્યું એમ હતું કે, વડોદરાની મ.સ. યુનિવર્સિટીમાં બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ છે. છતાં સંસ્કૃત મહાવિદ્યાલયની બહાર બે લોકોએ નમાઝ પઢ્યાની ઘટના બની છે. જે વીડિયો વાયરલ થયો છે તેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક શખ્સ અને બુરખો પહેરેલી એક સ્ત્રી છે. પરંતુ બંનેમાંથી કોઈ પણ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હોય તેવુ લાગતુ નથી. વીડિયો પાછળના ભાગથી લેવાયેલો છે. તેથી તેમના ચહેરા વીડિયોમાં દેખાતા નથી. ત્યારે યુનિવર્સિટીમાં પ્રથમ વખત જાહેરમાં કોઈ નમાઝ પઢી રહ્યા હોય તેવી ઘટના પ્રકાશમાં આવતા વડોદરા શહેરમાં ભારે ચર્ચા ઊઠી છે.



આ મામલે વિશ્વિ હિન્દુ પરિષદના સહમંત્રી કાર્તિક જોશીએ યુનિવર્સિટી પાસે તપાસની માંગ કરી છે. તેમણે જણાવ્યું કે, વીડિયોમાં દેખાતા લોકો યુનિવર્સિટીના નથી, ત્યારે યુનિવર્સિટી બહારના તત્વોએ યુનિવર્સિટીમાં પ્રવેશ કેવી રીતે કર્યો. તેમજ તેઓએ નમાઝ પઢવા માટે સંસ્કૃત મહાવિદ્યાલયની જગ્યા જ કેમ પસંદ કરી. શૈક્ષણિક ધામમાં જાહેરમાં આવું કૃત્ય કરી શકાય નહીં.નમાઝ પઢનાર બહારના વટેમાર્ગુ જેવાં તત્ત્વો દેખાય છે, તેઓએ યુનિવર્સિટીમાં આવીને આવું કામ કેમ કર્યું તે અંગે પણ તપાસની માંગણી અમે કરવાના છીએ.


ઉલ્લેખનીય છે કે, વડોદરાની મ.સ.યુનિવર્સિટી વિવાદોની યુનિવર્સિટી બની છે. તાજેતરમાં જ કોમર્સ ફેકલ્ટીમાં કેટલાક વિદ્યાર્થી દ્વારા હાજરી પત્રક પર શિક્ષિકના બિભત્સ ચિત્રો દોરાયા હતા.