અર્પણ કાયદાવાલા, અમદાવાદઃ અમદાવાદ આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા બે સબ પોસ્ટ માસ્તરની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ પકડાયેલ આરોપીઓ સાથે મળીને આ બંને આરોપીઓ રોકાણકારોની બચતના રૂપિયા બારોબાર ચાઉં કરવામાં મદદ કરતા હતા. કોણ છે આરોપી ઓ અને સમગ્ર કૌભાંડમાં શું છે તેમની ભૂમિકા. જોઈએ આ અહેવાલ માં...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉદય કુમાર દેસાઈ અને ધીરેન્દ્ર આત્મારામ નામના બે સબ પોસ્ટ માસ્તરની ધરપકડ કરવામાં આવી છે. આ બંન્ને આરોપીઓ અગાઉ આ ગુનામાં પકડાયેલ મુખ્ય આરોપી તેજસ શાહ અને અન્ય આરોપીઓને રોકાણકારોના રૂપિયા બારોબાર ચાઉં કરવામાં મદદ કરતા હોવાનું સામે આવ્યું છે. રોકાણકારોએ પોસ્ટ વિભાગની અલગ અલગ સ્કીમમાં કરેલ રોકાણની પાકતી મુદત એ કલોઝર પ્રોસિજરમાં રોકાણકારની હાજરીની જરૂર હોય છે. તેમ છતાં પકડાયેલ આરોપીઓ પોતાની સત્તાનો દુરુપયોગ કરીને રોકાણકારની ગેરહાજરીમાં સ્કીમની ક્લોઝર પ્રક્રિયા વેરીફાઈ કર્યા વગર જ કરી દેતા હતા. અને ચેક તથા ઉપાડવાના ફોર્મમાં સહીઓ વેરીફાઈ નહિ કરી ચેકો પાસ કરાવીને અગાઉ પકડાયેલ આરોપીઓ રોકાણકારોના સેવિગ ખાતામાંથી બારોબાર રૂપિયા મેળવી લેતા હતા. પોલીસની તપાસમાં આ બંન્ને આરોપીઓની ભૂમિકા સામે આવતા બંનેની ધરપકડ કરવામાં આવી છે.


આ પણ વાંચોઃ ભાજપનો ઉમેદવાર વ્હાલો પણ કોંગ્રેસના પાટીદાર નેતાને સમાજ આપતો નથી સાથ


પકડાયેલ બંને આરોપીઓ જે તે સમયે શાસ્ત્રી નગર પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા હોવાથી આરોપી તેજસ શાહના સંપર્ક માં આવ્યા હતા. સમગ્ર કૌભાંડની વાત કરીએ તો આર્થિક ગુના નિવારણ શાખાએ અગાઉ તેજસ શાહ, ગીરા શાહ, માલવ શાહ અને દર્શના ભટ્ટ નામના ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. જે આરોપીઓએ પોસ્ટ વિભાગની અલગ અલગ સ્કીમ માં રોકાણ કરેલ રોકાણકારોના રૂપિયા યેન કેન પ્રકારે મેળવી લેતા હતા. જેમની સામે રૂપિયા 3 કરોડ 97 લાખની છેતરપિંડીની ફરિયાદ દાખલ થઈ હતી. આરોપી ઓ પાસેથી પોલીસ એ પોસ્ટ વિભાગની કેટલીક પાસબુક પણ કબ્જે કરી હતી.


હાલમાં પોલીસે પોસ્ટ ઓફિસમાં સર્ચ કરીને કેટલાક કમ્પ્યુટર પણ કબ્જે કર્યા છે. જેને તપાસ અર્થે એફ એસ એલમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસે આ બંને આરોપીઓની ધરપકડ કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે. આ ગુનામાં અન્ય કોઈ કર્મચારીની સંડોવણી છે કે કેમ તે અંગે પણ વધુ તપાસ શરૂ કરી છે.