રાજકારણ ગરમાયું: કેવી રીતે અલ્પેશ રાધનપુરથી `પરણશે`! BJPના બે નેતાઓ જંગે ચઢ્યા
આગામી વિધાનસભા 2022 ની ચૂંટણીને લઇ રાજકારણ ગરમાઈ ગયું છે. જેમાં ખાસ કરીને પાટણ જિલ્લાની ચાર વિધાનસભા સીટ પૈકી રાધનપુર સીટ પર ભાજપ દ્વારા સ્થાનિક ઉમેદવાર મુકાવામાં આવે તેવો સુર પ્રબળ બન્યા છે
પાટણ: રાધનપુરમાં આગામી વિધાનસભા 2022 ની ચૂંટણીને લઇ સ્થાનિક ભાજપનું રાજકારણ ગરમાયું છે. આ સીટ પર સ્થાનિક ઉમેદવારની માંગને લઇ પૂર્વ ધારાસભ્યો મેદાને આવ્યા છે અને એક બાદ એક સંમેલન યોજી સ્થાનિક ઉમેદવારની માંગ ઉચ્ચારી રહ્યા છે. જેને લઇ રાધનપુર સીટ પર ઠાકોર સામે ઠાકોર આવી જતા રાજકારણ ગરમાઈ ગયું છે. તો બીજી તરફ અલ્પેશ ઠાકોર દ્વારા જે રાધનપુરથી પરણવાની વાતને લઇ સ્થાનિક ઠાકોર સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. જેને લઇ આજે બીજું સંમેલન સમીના રાણાવાડા ગામ ખાતે યોજાયું છે. આ સંમેલનમાં અલ્પેશ ઠાકોરનો ચોખ્ખો વિરોધ જોવા મળી રહ્યો છે.
આગામી વિધાનસભા 2022 ની ચૂંટણીને લઇ રાજકારણ ગરમાઈ ગયું છે. જેમાં ખાસ કરીને પાટણ જિલ્લાની ચાર વિધાનસભા સીટ પૈકી રાધનપુર સીટ પર ભાજપ દ્વારા સ્થાનિક ઉમેદવાર મુકાવામાં આવે તેવો સુર પ્રબળ બન્યા છે, તો બીજી તરફ રાધનપુર સીટ પર અલ્પેશ ઠાકોર ચૂંટણી લડવા આવવા અંગેની જાહેરાત કરી છે. તાજેતરમાં એક સભામાં અલ્પેશ ઠાકોર રાધનપુરથી પરણવાના છે અને તમારે પરણાવવાનો છે, આ નિવેદનને લઇ સ્થાનિકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. અહીં અયાતી નહિ પણ સ્થાનિક ઉમેદવાર મુકવામાં આવે તેવી માંગ સ્થાનિક પ્રજામાં ઉઠી છે અને 'જીતશે સ્થાનિક, હારશે બહારનો, લડશે સ્થાનિક જીતશે સ્થાનિક'ના સ્લોગન સાથે અઢારે આલમનું સંમેલન રાધનપુર સીટ પર યોજાયું છે.
આ રોષ ભર્યા માહોલ વચ્ચે ફરી પૂર્વ ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને પૂર્વ ધારાસભ્ય નાગરજી ઠાકોરએ સમીના રાણાવાડા ગામ ખાતે બીજું સંમેલન યોજાયું છે. તેમા સ્થાનિક ઉમેદવારની માંગ અને ક્યાંક અલ્પેશ ઠાકોરના પરણવાના નિવેદન અંગે નિર્ણય કરવામાં આવ્યો. જેને લઇ હવે હાર _ જીતની રણનીતિ આ સંમેલન થકી રાધનપુરના બે પૂર્વ ધારાસભ્ય સહીત અઢારે આલમ અલ્પેશ ઠાકોર વિરૂધ્ધ હોવાના સુર આ વિસ્તારમાં ઉઠવા પામ્યો છે. જો અલ્પેશ ઠાકોરને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવે છે તો લીલા તોરણે અલ્પેશ ઠાકોરની જાન પરત ફરશે એટલે કે તેઓ હારશે તેના માટે સ્થાનિક ભાજપના આગેવાનો મેદાને પાડ્યા હોવાનું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે.
વિધાનસભામાં રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે અને ભાજપના જ સ્થાનિક આગેવાનોમાં સ્થાનિક ઉમેદવારની માંગ સાથે આંતરિક વિવાદ જોવા મળી રહ્યો છે, ભાજપના બે પૂર્વ ધારાસભ્ય નાગરજી ઠાકોર તેમજ લવિંગજી ઠાકોર બન્ને અલ્પેશ ઠાકોરનો વિરોધ કરી રહ્યા છે, જેને લઇ ઠાકોર સામે ઠાકોરનો વિરોધ સામે આવ્યો છે. સ્થાનિક ભાજપના અગ્રણીઓ પણ અલ્પેશ ઠાકોરને જો ભાજપ ટીકીટ આપશે તો રાધનપુરની જનતા અલ્પેશને લીડથી હરાવશે.
ત્યારે શિસ્તબંધ કહેવાતી ભાજપ પાર્ટીમાં ભાજપના આગેવાનો રાધનપુર વિધાનસભા વિસ્તારમાં બળવો કરી રહ્યા છે અને સ્થાનિક ઉમેદવારની માંગ સાથે અલ્પેશ ઠાકોરનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે રાધનપુર વિસ્તારમાં ભાજપ પક્ષ કોને ટીકીટ આપે એ તો આવનારા સમયમાં જોવું રહ્યું.. પણ હાલ તો રાધનપુર વિધાનસભાના સ્થાનિક ઠાકોર સમાજ જે ભાજપ પીઠના અગ્રણીઓ છે, તેમણે અલ્પેશ ઠાકોર સામે રણશિંગુ ફૂંક્યું છે તો સાથે આ વિસ્તારના અન્ય સમાજના લોકો પણ આ વિરોધમાં જોડાતા રાજકીય માહોલ ગરમાયો છે.
સંમેલનમાં ઉપસ્થિત અઢારે આલમમાં ભારે રોષ અલ્પેશ ઠાકોર સામે જોવા મળી રહ્યો છે તો આગામી ચૂંટણી જો ભાજપ દ્વારા અલ્પેશ ઠાકોરને રાધનપુર સીટ પર ટિકિટ આપશે તો ભાજપને મોટુ નુકશાન વેઠવાનો વારો આવશે અને અઢારે આલમમાંથી રાધનપુર સીટ પર સ્થાનિક ઉમેદવારને અપક્ષમાંથી ચૂંટણી લડવા માટે હુંકાર કરવામાં આવ્યો હતો.