ઝી બ્યુરો/રાજકોટ: જિલ્લાના જેતપુર તાલુકાના પેઢલા ગામમાં જ્યાં પરપ્રાંતીય ખેત મજૂરની પત્નીને પતિ પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોય જતાં ગુસ્સો સાતમા આસમાને પહોંચતા પતિએ બાવળના લાકડાંને જ હથિયાર બનાવી પેલા પત્નીના પ્રેમીને માર્યો અને બાદમાં પત્નીને મોઢા અને નાકના ભાગે લાકડું ફટકારતા પત્નીનું સ્થળ પર જ મોત નીપજ્યું. પત્નીના વ્યાભિચારને નજર સામે જોનાર પતિને ચઢેલ ક્ષણવારનો ગુસ્સોએ જેલના સળીયા પાછળ ધકેલી દીધો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉદ્યોગ નગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ
આ ઘટનાની વાત કરીએ તો મધ્યપ્રદેશના જાટપુર ગામનો રહેવાસી સુશીલ માંગીલાલ મડિયાએ પોતાની નાની બેન સંગીતાની તેના પતિ લખન વાસકેલાએ પેઢલા ગામે આવેલ ક્રિષ્ના પ્રોટીન નામના કારખાનાના પાછળના ભાગે હત્યા નિપજાવી નાંખ્યાની જેતપુરના ઉદ્યોગ નગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. ફરીયાદમાં લખાવ્યા મુજબ ફરીયાદી સુશીલની બેનના એકાદ વર્ષ પૂર્વે મધ્યપ્રદેશના એકલબારા ગામના લખન વાસકેલા સાથે લગ્ન થયેલ હતાં. અને લગ્ન બાદ બેન બનેવી બંને કામ ધંધા માટે ગુજરાત આવી ગયેલ અને જેતપુર તાલુકાના મોટા ગુંદાળા ગામે વતનના જ અન્ય ખેત મજૂરો સાથે ખેતરમાં જ રહીને મજૂરી કામ કરતાં હતા. 


સંજય સાથે મૃતક સંગીતાને પ્રેમ સંબંધ બંધાયો હતો
આ દરમિયાન તેણીને સંજય સોલંકી કે જે પણ તેની સાથે તેની પત્ની સાથે ખેત મજૂરી કરતો હતો તે સંજય સાથે મૃતક સંગીતાને પ્રેમ સંબંધ બંધાયો હતો. દિવાળીની રજાઓમાં ભાઈબીજના દિવસે લખન, સંગીતા, સંજય અને સંજયની પત્ની મોટા ગુંદાળા ગામથી બાજુના પેઢલા ગામે પોતપોતાના સંબંધીઓ કે જેઓ પણ અહીં ખેત મજૂરી માટે મધ્યપ્રદેશથી આવેલ છે તેઓના ત્યાં ગયા હતા. જેમાં લખન અને સંગીતા ક્રિષ્ના પ્રોટીન્સ નામના કારખાનામાં મજૂરી કરતા તારાચંદને ત્યાં આવ્યા હતાં. ત્યાં તેઓ બપોરનું ભોજન પતાવી આરામ કરતા હતાં. 


કારખાના પાછળ સંગીતા અને સંજય કઢંગી હાલતમાં હતા
આ દરમિયાન મૃતક સંગીતાનો પતિ લખન પેઢલા ગામે તમાકુ લેવા માટે ગયેલ અને પાછો આવીને જોતા કારખાનાની પાછળ સંગીતા અને સંજય કઢંગી હાલતમાં હતા. જે જોઈને આરોપી લખનનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો અને બંનેને મારવા આમતેમ નજર ઘુમાવી પણ કંઈ હથિયાર ન દેખાયું, પરંતુ બાવળના ઝાડનું એક લાકડું પડેલ હતું તે ઉપાડી પ્રેમી સંજય અને સંગીતાને ફટકા માર્યા હતા. જેમાં સંજયને માથામાં અને સંગીતાને મોઢા તેમજ નાકના ભાગે માર્યું હતું. પરંતુ સંજય તો જીવ બચાવવા ત્યાંથી નાશી ગયો પરંતુ સંગીતાને મોઢાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેનું મોત નીપજ્યું હતું. 


ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ
આ જોઈ લખનને તેની ભૂલ સમજાતા તે ત્યાંથી નાશી ગયો હતો. પરંતુ ઉદ્યોનગર પોલીસે લખન સામે હુમલો અને હત્યાનો ગુન્હો નોંધી હત્યારા પતિ લખનની ગણતરીના કલાકોમાં ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.