મયુર સાંધી/સુરેન્દ્રનગર :ગુજરાતનું આકાશ કુતુહલોથી ભરેલું છે. ગુજરાતના આકાશમાં ફરી એકવાર અજાયબ નજારો જોવા મળ્યો છે. સુરેન્દ્રનગરના બગોદરા-લીંબડી વચ્ચે રાત્રિ દરમિયાન અવકાશી નજારો જોવા મળ્યો હતો. આકાશમાં એક લાઈનમાં ચમકતી ચીજ કેદ થઈ હતી. આ ચળકતી ચીજ આકાશમાં એકલાઈનમાં આગળ વધી રહી હતી. ત્યારે લોકોએ પોતાના મોબાઈલમાં તેનો વીડિયો બનાવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરેન્દ્રનગરના અવકાશમાં ચળકતી ચીજ જોવા મળી છે. જેથી સ્થાનિક લોકોમાં પણ કૂતુહલતા સર્જાઈ હતી. બગોદરા અને લીંબડી વચ્ચેના ગામોમાં આ અવકાશી નજારો જોવા મળ્યો હતો. જેથી કોઈ ખગોળીય વસ્તુઓ અને પદાર્થ હશે તેવી ચર્ચા લોકોમા શરૂ હતી. મામલતદાર અને તંત્રની ટીમ દ્વારા અવકાશી નજારામાં કયો પદાર્થ હશે તે અંગે તપાસ કામગીરી હાથ ધરાઈ છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા એપ્રિલ મહિનામાં કચ્છમાં ખુબ જ પ્રકાશિત ઉલ્કા ફાયરબોલ જેવો પદાર્થ દેખાતાં લોકોમાં કુતૂહલ અને રોમાંચ ફેલાયા હતા અને સોશિયલ મીડિયા દ્વારા એકબીજાને જાણ કરવા લાગ્યા હતા. 



જોકે, સુરેન્દ્રનગરના આકાશમાં દેખાયેલ આ ચળકતી લાઈનબંધ ચીજ સેટેલાઈટ ટ્રેન હોવાનું પણ ચર્ચાય છે. દુનિયાના સૌથી ધનિક એલન મસ્કે સેટેલાઈટ બેઝ્ડ ઈન્ટરનેટ આપવા માટે સ્ટારલિંક પ્રોજેક્ટ શરૂ કર્યો છે. જે અંતર્ગત સેંકડો સેટેલાઈટ છોડવામાં આવ્યા છે. આ સેટેલાઈટ દુનિયાના અલગ અલગ ભાગમાં નરી આંખોથી જોઈ શકાય છે. તે આકાશમાં એક ટ્રેનની જેમ ઉડતા દેખાય છે. કારણ કે, આ સેટેલાઈટ એક લાઈનમાં ચાલે છે. સ્ટાલિંગ ઈન્ટરનેટ સેવાઓ રશિયા-યુક્રેન યુદ્ધમાં યુક્રેનની મદદે પણ આવી છે.