ઊના દલિતકાંડના પીડિતોએ રાષ્ટ્રપતિ સામે કરી ઈચ્છા મૃત્યુની માંગ
પરિવારની તરફથી લખાયેલી ચિઠ્ઠીમાં વશરામ સરવૈયાએ કહ્યું કે, તત્કાલીન સીએમ આનંદીબેન પટેલે અમારા પરિવાર તથા સંબંધીઓ પર હુમલો થયા બાદ જે વાયદો કર્યો હતો, તેને ગુજરાત સરકાર પૂરો કરવામાં અસફળ રહી છે.
ઊના/ગુજરાત : 2016માં ઊનાનો દલિતકાંડ ચર્ચામાં આવ્યો હતો. આ દલિત પીડિતોએ આરોપ મૂક્યો છે કે, ગુજરાત સરકારે તેનો વાયદો પૂરો કર્યો નથી. તેથી મંગળવારે દલિત પીડિતોએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખીને ઈચ્છા મૃત્યુની માંગણી કરી છે. આ સાથે જ તેમણે 7 ડિસેમ્બરથી દિલ્હીમાં અનિશ્ચિતકાળના ઉપવાસ પર બેસવાની પણ વાત કરી છે.
પરિવારની તરફથી લખાયેલી ચિઠ્ઠીમાં વશરામ સરવૈયાએ કહ્યું કે, તત્કાલીન સીએમ આનંદીબેન પટેલે અમારા પરિવાર તથા સંબંધીઓ પર હુમલો થયા બાદ જે વાયદો કર્યો હતો, તેને ગુજરાત સરકાર પૂરો કરવામાં અસફળ રહી છે. આનંદીબેન પટેલે આશ્વાસન આપ્યું હતું કે, રાજ્ય સરરકાર દરેક પીડિતને 5 એકર જમીન આપશે. પીડિતોની યોગ્યતા મુજબ તેમને સરકારી નોકરી આપવામાં આવશે. તેમજ સમઢિયાલને વિકસિત ગામડું બનાવવામાં આવશે. આ ઘટનાને બે વર્ષ અને 4 મહિના વીતી ચૂક્યા હોવા છતા સરકારે પોતાનો વાદો પૂરો કર્યો નથી. તેમજ આ દિશામાં કોઈ પ્રયાસ કર્યા નથી.
વશરામ અને તેમના નાના ભાઈ રમેશ અને તેમના પિતા બાલુ અને માતા કુંવર એ 8 દલિતોમાં સામેલ હતા, જેમને કથિત ગૌરક્ષકોએ નિશાન બનાવ્યા હતા. આ ઘટના ગીર સોમનાથના ઊના તાલુકના સમઢિયાલ ગામમાં 11 જુલાઈ, 2016ના રોજ બની હતી. આ દલિતોને કથિત ગૌરક્ષકો દ્વારા મારવામા આવ્યા હતા, જેઓએ આરોપ લગાવ્યો હતો કે તેઓ ગાય કતલખાના માટે લઈ જાય છે. પરંતુ બાદમાં પોલીસ તપાસમાં સામે આવ્યુ હતું કે, તેઓ પ્રાણીઓના મૃતદેહ પરથી ચામડા ઉતારી રહ્યા હતા. આ હુમલાનો વીડિયો અને તસવીરો વાઈરલ થઈ હતી. જેના બાદ રાજ્યભરમાં દલિતોએ પ્રદર્શનો કર્યા હતા. કેટલાક લોકોએ આત્મવિલોપનના પ્રયાસો પણ કર્યા હતા, જેમાં એકનું મોત નિપજ્યું હતું.