ચેતન પટેલ/સુરત : સુરતના વરાછા વિસ્તારમાં અપહરણનો કિસ્સો સામે આવ્યો છે. મિલકતના ઝઘડામાં એક કાકાએ તેના છ વર્ષના ભત્રીજાનું અપહરણ કર્યું હતું. એટલુ જ નહિ, ભત્રીજાને છોડાવવા માટે કાકાએ 50 હજારની ખંડણી પણ માગી હતી. જોકે, પોલીસ સુધી સમગ્ર મામલો પહોંચતા કાકા ભત્રીજાને અમદાવાદમાં મૂકીને ભાગી ગયો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના વરાછા વિસ્તારના બજરંગ નગરમાં રાજુ મુજાણી અને હેતલ મુજાણીને સંતાનમાં જોડિયા પુત્રો છે. તેમના ઘરની બાજુમાં તેમનો મોટો ભાઈ ભરત ભાડેથી ઘર લઈને રહે છે. ભરત ખરાબ આદતો ધરાવે છે. ત્યારે 11 તારીખે ભરત રાજુ મુજાણીનો દીકરો જયને પીપુડી ખરીદવા લઈ ગયો હતો. ત્યારથી તે ભરત અને જય ઘરે પરત ફર્યા ન હતા. આ મામલે પરિવારે જયની શોધખોળ શરૂ કરી હતી. ત્યારે ભરતે રાજુભાઈને ફોન કરીને જયને છોડાવવાના બદલે 50 હજાર રૂપિયાની માંગણી કરી હતી. રાજુભાઈએ આ મામલે પોલીસને જાણ કરતા સુરત પોલીસ દોડતી થઈ હતી. 


જોકે, બીજી તરફ પોલીસની ભીંસ ભરત પર વધી જતા તે બાળક જયને અમદાવાદના નિકોલ વિસ્તારમાં છોડીને નાસી ગયો હતો. બીજી તરફ બાળક બિનવારસી મળતા નિકોલ પોલીસે તેનો કબજો લીધો હતો. બાળકની પૂછપરછમાં તે સુરતનો હોવાનું તેણે કહ્યું હતું. તેથી અમદાવાદ પોલીસે સુરત પોલીસને જાણ કરી હતી. વરાછા પોલીસ બાળકને લેવા માટે અમદાવાદ પહોંચી હતી. 


ઉલ્લેખનીય છે કે, ભરત પહેલાથી જ ક્રિમીનલ બેકગ્રાઉન્ડ ધરાવે છે. બોરીવલીમાં ચોરીના કેસમાં તે સાડા સાત વર્ષ જેલમાં રહી ચૂક્યો છે. મકાનનું ભાડું ભરતને તેના ભાઈ રાજુએ આપ્યું ન હતું, તેથી મન દુઃખ થતા તેણે જયનું અપહરણ કર્યું હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.