ગુજરાતીઓ માટે જ નહીં પરંતુ સમગ્ર ભારતવર્ષ માટે ગર્વ સમાન એવું ધોળાવીરા વિશ્વના પ્રાચીન શહેરોમાં સામેલ છે અને હવે આ પ્રાચીન નગરીની મુલાકાત લેવા જઈ રહેલા પર્યટકોને ત્યાં રહેવાની પણ સુવિધા મળી શકશે. વાત જાણે એમ છે કે કચ્છ રણોત્સવની જેમ જ યુનેસ્કોની આ વર્લ્ડ હેરિટેજ સાઈટ ધોળાવીરામાં હડપ્પન થીમ પર બોલીવુડ સેટવાળી ટેન્ટ સિટી બનીને તૈયાર થઈ ગઈ છે. જુલાઈ 2021માં યુનેસ્કોએ ભારતના કચ્છ જિલ્લામાં આવેલી સિંધુ ઘાટી સભ્યતાવાળી સાઈટને વર્લ્ડ હેરિટેજ જાહેર કરી હતી. ત્યારે પીએમ મોદીએ પણ ખુબ આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે ધોળાવીરા સાથેની પોતાની યાદોનો પણ ઉલ્લેખ કર્યો હતો. ધોળાવીરામાં પ્રવાસીઓને સગવડતા પૂરી પાડવા માટે ટેન્ટ સિટીની શરૂઆત 1 નવેમ્બરથી થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વૈશ્વિક સ્તરે ખુબ મહત્વ છે ધોળાવીરાનું
ધોળાવીરાની ગણતરી દુનિયાના પાંચ સૌથી જૂના નગરોમાં થાય છે. તેનો ઈતિહાસ પાંચ હજાર વર્ષથી પણ જૂનો છે. ધોળાવીરા ટેન્ટ સિટી વિશે અમિત ગુપ્તા કહે છે કે આ ઐતિહાસિક સ્થળ પર નવી ટેન્ટ સિટી ઊભી કરાઈ છે. જે ટુરિસ્ટને અહીં સુખદ અહેસાસ કરાવશે અને તેઓ ધોળાવીરાની મુલાકાત લઈને આ વર્લ્ડ હેરિટેજ સાઈટની યાદોને સંભાળીને રાખી શકશે. તેમણે કહ્યું કે ટેન્ટ સિટીને પૌરાણિક લૂક આપવામાં આવ્યો છે. આ જોઈને એકવાર તો લોકોને રીતિક રોશનની ફિલ્મનો સેટ યાદ આવી શકે છે. જેને પ્રાચીન સિંધુ સભ્યતાના શહેર લોથલ અને મોહેંજો દડોની શૈલીમાં બનાવવામાં આવ્યું છે. ગુજરાત સરકાર ધોળાવીરાને કચ્છ રણોત્સવની જેમ વિશ્વસ્તરે પ્રમોટ કરવાની ઈચ્છા ધરાવે છે જેથી કરીને વધુમાં વધુ પ્રવાસીઓ ધોળાવીરા પહોંચે. 


ધોળાવીરા વિશે
ધોળાવીરા વિશે વાત કરીએ તો તે કચ્છના ભચાઉ તાલુકાના ખદિર બેટ વિસ્તારમાં આવેલું છે. જેની સંસ્કૃતિ 5000 વર્ષ જૂની છે અને તે વખતે ત્યાં પચાસ હજાર જેટલા લોકો રહેતા હોવાનું અનુમાન છે. આખુ નગર, પાણીની વ્યવસ્થા, રાજમહેલ કે પ્રાંતના મહેલની રચના, લોકોની રહેણી કરણી વગેરે વિશે જાણવા જેવું છે. સ્થાનિકો ધોળાવીરાને કોટડો કે કોટડા ટિંબા તરીકે પણ ઓળખે છે. જો કે આ સ્થળ આમ તો ધોળાવીરા ગામની નજીક આવેલું હોવાથી તેનું નામ ધોળાવીરા જ પડી ગયું છે. 


પીએમ મોદીએ એક સમયે ટુરિઝમ ફ્રેન્ડલી ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસનું સપનું જોયું હતું. જે હવે પૂરું થવાને આરે છે. અત્યાર સુધી કચ્છના ધોરડોમાં અત્યાધુનિક અને વર્લ્ડ ક્લાસ ટેન્ટ સિટીની વ્યવસ્થા હતી. હવે ધોળાવીરાના ટેન્ટ સિટીમાં પણ કુલ 140 ટેન્ટ લગાવવામાં આવ્યા છે. જેમાં દરબારી અને રજવાડી સામેલ છે. ટેન્ટ સિટીના નિર્માણનો મુખ્ય હેતુ ધોળાવીરાના પ્રમોશનનો છે. જેથી કરીને લોકો આ પ્રાચીન સ્થળ અને તેના ઐતિહાસિક વારસા વિશે જાણી શકે. પર્યટકોને અહીં એકથી ત્રણ રાત સુધી રોકાવવાની સુવિધા મળશે. ધોળાવીરા ટેન્ટ સિટી 1 નવેમ્બરથી પર્યટકો માટે ખુલશે. આ ટેન્ટ સિટીમાં ઘરેલુ અને વિદેશી પ્રવાસીઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સુવિધાઓ રાખવામાં આવી છે. 


રોડ ટુ હેવન
કચ્છથી ધોળાવીરા જાઓ ત્યારે તમને રોડ ટુ હેવન પણ જબરદસ્ત અનુભવ કરાવશે. ગુજરાતના સફેદ રણની બરાબર વચ્ચે એક રસ્તો નીકળે છે. જે ધોળાવીરા જાય છે. આ રોડની કુલ લંબાઈ 29 કિલોમીટર છે. તેની સુંદરતા એવી છે જે તમારા દિલો દિમાગમાં છવાઈ જશે અને મન પ્રફુલ્લીત કરી નાખશે. કચ્છથી ધોળવીરા જવા માટે પ્રવાસીઓ આ રસ્તે જશે. ગુજરાતના કચ્છ જિલ્લાના ગામ ધોરડોને ગત વર્ષે બેસ્ટ ટુરઝિમ વિલેજ તરીકે જાહેર કરાયું હતું. આ વર્ષે ધોળાવીરામાં ટેન્ટ સિટીની શરૂઆતથી સારા એવા પ્રવાસીઓ આવે તેવી અપેક્ષા છે.