ગુજરાતમાં હવે શાહે મોરચો સંભાળ્યો, કહ્યું; કોંગ્રેસ કહે છે અમે કર્યું, અમે કર્યું, પણ 90થી સત્તામાં જ નથી, તો..`
ભાજપની ગૌરવ યાત્રા દરમિયાન કેન્દ્રીય મંત્રીઓની ફોજ હાજર રહેશે. અમિત શાહે આજે પહેલી ગૌરવ યાત્રાને ઝાંઝરકાથી પ્રસ્થાન કરાવી. આ યાત્રા ઝાંઝરકાથી સોમનાથ સુધીનો પ્રવાસ કરશે.
અમદાવાદ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ‘ગુજરાત ગૌરવ યાત્રા’ને પ્રસ્થાન કરાવ્યું હતું. આ યાત્રા ઝાંઝરકાથી સોમનાથ સુધી યોજાશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા હતા. આ યાત્રા અમદાવાદથી લઈને સોમનાથ સુધીના 9 જિલ્લામાં ફરી વળશે અને ભાજપની સરકારે કરેલાં કામો લોકોને બતાવશે.
ભાજપની ગૌરવ યાત્રા દરમિયાન કેન્દ્રીય મંત્રીઓની ફોજ હાજર રહેશે. અમિત શાહે આજે પહેલી ગૌરવ યાત્રાને ઝાંઝરકાથી પ્રસ્થાન કરાવી. આ યાત્રા ઝાંઝરકાથી સોમનાથ સુધીનો પ્રવાસ કરશે. ત્યારબાદ બીજી બે ગૌરવ યાત્રાને ઉનાઈથી લીલી ઝંડી બતાવી હતી. જેમાં એક યાત્રા ઉનાઈથી અંબાજી સુધી અને બીજી યાત્રા ઉનાઈથી ફાગવેલ સુધી વિવિધ વિધાનસભાઓમાં ફરશે. આ ત્રણેય ગૌરવ યાત્રાઓ 66 વિધાનસભા બેઠકો પર ભ્રમણ કરશે.
અમિત શાહે આ પ્રસંગે જણાવ્યું હતું કે, કોંગ્રેસિયાઓએ ગુજરાતના વિકાસને રોકી રાખ્યો હતો. જ્યારે નરેન્દ્ર મોદીએ જેટ ગતિએ 20 વર્ષોમાં વિકાસ કર્યો છે. ભાજપે ગુજરાતને દેશનું નંબર 1 રાજ્ય બનાવ્યું છે. આ એની ગૌરવ યાત્રા છે. ગુજરાતના 6.50 કરોડ મતદાતાઓનો ધન્યવાદ કરવાની યાત્રા છે. ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ફરીવાર સરકાર બનાવવાની યાત્રા છે. કોંગ્રેસીયાએ 75 માંથી 58 વર્ષ શાસન કર્યુ, પરંતુ આદિવાસીઓ માટે કાંઇ ન કર્યુ. અટલ બિહારી બાજપાઇ સરકારે કેન્દ્રમાં આદિવાસી મંત્રાલય શરૂ કર્યો. નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં વનબંધુ કલ્યાણ યોજના કરી. દેશના વડાપ્રધાન બનતા જ પીએમ મોદીએ 9 કરોડ આદિવાસીઓના કલ્યાણ માટે કામ કરી રહ્યા છે.
શાહે વધુમાં જણાવ્યું હતું કે, બંધારણ પ્રમાણે આદિવાસીઓની વસ્તી પ્રમાણે નરેન્દ્ર મોદીએ રૂપિયા ફાળવ્યા છે. આ વખતે ભુપેન્દ્ર પટેલની સરકારે 1 લાખ કરોડની ફાળવણી કરી છે. પૈસા એકટ ભાજપે ગુજરાતમાં લાગુ કર્યો, જમીનની સનદ આપી. આદિવાસીઓની 11 લાખ હેકટર જમીનમાં સિંચાઈ આપી. મફત રસી અને સવા બે વર્ષ સુધી મફત અનાજ પણ આપ્યું. દાહોદ, વલસાડ અને બનસકાંઠામાં મેડિકલ કોલેજમાં મેડિકલ કોલેજ આપી. જ્યારે નવસારી, તાપી, પંચમહાલમાં મેડિકલ કોલેજ મંજુર કરી. 16 લાખથી વધુ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ, 500 કરોડથી વધુ સહાય, 11 લાખ આદિવાસી બાળકોને દૂધ સંજીવની યોજના હેઠળ મફત દૂધ આપ્યું છે. 200 કરોડના ખર્ચે આદિવાસી જનનાયકોના મ્યુઝિયમ બનાવ્યા.
અમિત શાહે જણાવ્યું હતું કે, ભરોસો મૂકી શકો તો ભાજપ પર મૂકી શકો...નરેન્દ્રભાઈ અને ભુપેન્દ્રભાઈ પર જ મૂકી શકો. દરેક ચુંટણીમાં 90, 95, 98, 2000, 2002, 2007, 2012, 2017 અને હવે કોંગ્રેસ કહે અમે કર્યું કર્યું. 90થી કોંગ્રેસ સત્તામાં જ નથી, તો ક્યારે કામ કર્યુ ભઇ.. કોંગ્રેસ કામ નહીં ખાલી બોર્ડ લગાવી શકે છે. અમિત શાહે જણાવ્યું હતું કે, બોર્ડ લગાવનારને મત આપવો છે કે ગેસનો ચૂલો, મેડીકલ કોલેજ, આદિવાસી ગૌરવ દિવસ મનાવવાવાળા નરેદ્ર પટેલને મત આપવો છે, કે રોડ બનાવવાવાળા ભુપેન્દ્ર પટેલને મત આપશો. ભુપેન્દ્ર પટેલે સંકલ્પ કર્યો છે સરકાર આવ્યા પછી ઉનાઈ મંદિર ભવ્ય બનાવવું છે.
અમિત શાહે જણાવ્યું કે, કોંગ્રેસે દેશને સુરક્ષિત ન રાખી શક્યા, વિકાસ ન કરી શક્યા. ગુજરાતનો વિકાસ કોઈ કરી શકે એમ હોય તો નરેન્દ્ર મોદી અને ભુપેન્દ્ર પટેલ જ કરી શકે તેમ છે. જવાહરલાલ નહેરુએ 370 લગાવી, અને બધા બીવડાવતા લોહીની નદીઓ વહેશે. પણ મોદી રાજમાં એક પથ્થર ઊંચકાયો નથી. અંબાજીથી ઉંમરગામ સુધીની આદિવાસી બેઠક ભાજપની ઝોળીમાં નાંખવા કાર્યકર્તાઓને અપીલ કરી હતી.
આપને જણાવી દઈએ કે ગઈકાલથી ભાજપની ગૌરવ યાત્રાનો પ્રારંભ થયો છે. ગઈકાલે શક્તિપીઠ બહુચરાજીથી ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ પ્રારંભ કરાવ્યો હતો. ત્યારબાદ વધુ એક યાત્રાને યાત્રાધામ દ્વારકાથી શુભારંભ કરાવવામાં આવ્યો હતો.
અમદાવાદ ગ્રામ્ય અને ખાસ કરીને સૌરાષ્ટ્રની બેઠકો પર 2017માં ભાજપનું પ્રદર્શન નબળું રહ્યું હતું. અમદાવાદ ગ્રામ્યની ધંધુકા વિરમગામ બેઠક 2017માં ભાજપે ગુમાવી હતી. જ્યારે ધોળકા બેઠક પર ગણતરીના મતોથી જ વિજય થયો હતો. આ ઉપરાંત અમરેલી જિલ્લાની 2017માં પાંચે પાંચ બેઠક ભાજપે ગુમાવી હતી.
જોકે, પેટા ચૂંટણીમાં ધારી બેઠક પર જીત મેળવી હતી. આવી જ રીતે જૂનાગઢ જિલ્લામાં પણ 5માંથી એકપણ બેઠક ભાજપ જીતી નહોતું શક્યું.. પરંતુ પેટા ચૂંટણીમાં માણાવદર બેઠક પર વિજય મેળવ્યો જ્યારે વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડીયા હાલમાં જ ભાજપમાં જોડાયા છે. એટલા માટે જ આ યાત્રાથી 1070 કિ.મી.નો પ્રવાસ 24 વિધાનસભા ક્ષેત્રમાં યોજાઈ રહ્યો છે.