સુરતઃ માંગરોળ તાલુકાના શાહ ગામે રાજ્યના પ્રથમ મેગા ફૂડ પાર્કનું લોકાર્પણ કરવામા આવ્યું છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને કેન્દ્રીય મંત્રી હરસીમરત કૌર બાદલના હસ્તે મેગા ફૂડ પાર્કનું લોકાર્પણ કરવામા આવ્યું છે.  પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના હેઠળ કેન્દ્ર સરકારના ફૂડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીઝના ઉપક્રમે મેગા ફૂડ પાર્ક બનાવાયો છે. શાહ ગામે 70 એકરમાં ફૂડ અને એગ્રો ઈન્ડસ્ટ્રીઝ માટે નવનિર્મિત ગુજરાત એગ્રો ઈન્ફ્રાસ્ટ્રક્ચર મેગા ફૂડ પાર્ક ખુલ્લો મુકાવામાં આવ્યો છે. ફૂડ પ્રોસેસિંગ મિશન હેઠળ અંદાજે 200 કરોડની સહાય પ્રાપ્ત આ પ્રોજેક્ટના કારણે ખેડૂતો માટે ખેતરથી લઈને બજાર સુધીની ઉત્તમ વેલ્યુ ચેઈનનું નિર્માણ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની મહત્વાકાંક્ષી પહેલ ‘પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના’ હેઠળ કેન્દ્ર સરકારના ફૂડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીઝ મંત્રાલયના ઉપક્રમે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના શાહ ગામ ખાતે 70 એકરના વિશાળ વિસ્તારમાં માત્ર ફૂડ અને એગ્રો ઇન્ડસ્ટ્રીઝ માટે નવનિર્મિત ‘ગુજરાત એગ્રો ઈન્ફ્રાસ્ટ્રક્ચર મેગા ફૂડ પાર્ક’નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. લોકાર્પણ સમારોહમાં કેન્દ્રીય ફૂડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીઝ રાજ્યમંત્રી સાધ્વી નિરંજન જ્યોતિ, વન મંત્રી ગણપતસિંહ વસાવા ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત સરકારની કોર ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સર્વગ્રાહી કૃષિવ્યવસાય નીતિ તેમજ મુખ્યપ્રધાન ફૂડ પ્રોસેસિંગ મિશન હેઠળ અંદાજીત રૂ.૨૦૦ કરોડની સહાયપ્રાપ્ત આ પ્રોજેકટના કારણે ખેડૂતો માટે ખેતરથી લઈને બજાર સુધીની ઉત્તમ વેલ્યુ ચેઈનનું નિર્માણ થશે. 


વડાપ્રધાનના વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવકને બમણી કરવાના લક્ષ્યાંકમાં આ પ્રોજેક્ટ મદદરૂપ બનશે. નવનિર્મિત મેગા ફૂડ પાર્ક સુરત શહેરની નજીક હોવાથી મેગા ફૂડ પાર્ક ખેત પેદાશોના નિકાસ માટે હજીરા પોર્ટ અને સુરત, મુંબઈ અને અમદાવાદના હવાઈ મથકો સાથે શ્રેષ્ઠ કનેક્ટિવિટી મળશે. 30 લાખ સ્ક્વેર ફૂટમાં પથરાયેલા મેગા ફૂડ પાર્કની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ ખેતી, ફૂડ અને એગ્રો પ્રોસેસિંગ ક્ષેત્ર માટે અત્યાધુનિક માળખાકીય સુવિધા તેમજ ખેડૂતના ખેતરથી લઇને બજાર સુધી આધુનિક પ્રોસેસિંગ સેવા સુવિધા પુરી પાડવાનો અને ટૂંકા સમયમાં બગડી જતી વસ્તુઓનું પ્રોસેસીંગ વધારવાનો છે. પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન, ખેત પેદાશોના બગાડમાં ઘટાડો, સક્ષમ પુરવઠાની સાંકળનું નિર્માણ જેવા અનેક ફાયદો પણ થશે.