અમદાવાદ : સિવિલ હોસ્પિટલમાં અંગદાન ક્ષેત્રે "સેવાની શતાબ્દી" થઈ. ડિસેમ્બર 2021 થી શરૂ થયેલ અંગદાનને 13 મહિના પૂર્ણ થયા. આ સમયગાળામાં સિવિલ હોસ્પિટલમાં 34 વ્યક્તિઓના અંગદાનમાં સફળતા મળી છે. જેના થકી 105 અંગો મળ્યા જેના થકી 90 લોકોને નવજીવન મળ્યું છે. તો સાથે જ છેલ્લા 24 કલાકમાં સિવિલ હોસ્પિટલમાં 2 બ્રેઇન ડેડ વ્યક્તિઓના અંગદાન મેળવવામાં સફળતા પણ મળી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંગદાન સ્વરૂપે મળેલા સિવિલ હોસ્પિટલમાં મળેલા 105 અંગોની વાત કરીએ તો 51 કિડની, 29 લીવર, 5 સ્વાદુપિંડ, 6 હ્યદય, 2 હાથ અને 6 જોડ ફેફસાનો સમાવેશ થાય છે. આ અતિમહત્વના અંગો થકી વર્ષોથી અંગોની ખામીથી પીડામય અને સંધર્ષપૂર્ણ જીવન વ્યતિત કરી રહેલા જરૂરિયાતમંદ દર્દીઓની જીવનશૈલી બદલાઇ છે અને વર્ષોની પીડાનો અંત આવ્યો છે. અંગદાનની પ્રક્રિયામાં મહત્વની ભૂમિકા SOTTO ની ટીમ દ્વારા ભજવવામાં આવે છે. બ્રેઇન ડેડ જાહેર થતા દર્દીના પરિવારજનોને SOTTO ની ટીમ દ્વારા અંગદાન માટેની પ્રેરણા આપવામાં આવે છે. 


સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી જણાવે છે કે, મૃત્યુ બાદ શરીર પંચમહાભૂતમાં વિલિન થઇ જાય તેના કરતા કોઇ જરૂરિયાતમંદને અંગો ઉપયોગી થાય અને જીવનમાં બદલાવ લાવવામાં મદદરૂપ બને તે માટે અંગદાન જરૂરી છે. SOTTOની ટીમ દ્વારા હોસ્પિટલમાં બ્રેઇનડેડ થતા પરિવારજનોને અંગદાનનું મહત્વ સમજાવીને અંગદાન માટે પ્રેરવામાં આવે છે. દિવસ-રાત રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી રહેલી ટીમના અથાગ પરિશ્રમોના પરિણામે જ કોરોનાની વિષમ પરિસ્થિતિઓ વચ્ચે પણ 13 મહિનાના ટૂંકા ગાળામાં 105 અંગદાન મેળવવામાં સફળતા મળી છે. રાજ્યમાં અંગોનું વેઇટીંગ ઘટે જીવંત વ્યક્તિને અંગદાન કરવાની જરૂર પડે નહીં. બ્રેઇનડેડ વ્યક્તિઓના પરિવારજનો અંગદાન માટે પ્રેરાય તે ઉમદા હેતુથી સિવિલ હોસ્પિટલમાં SOTTO દ્વારા અંગદાન માટેનો સેવાયજ્ઞ શરૂ કરાયો છે.