વેક્સિનેશન ક્ષેત્રે અનોખી સિદ્ધિ: એક વર્ષમાં રાજ્યમાં 10 કરોડ વેક્સિન ડોઝ અપાયા
કોરોના મહામારી સામે રક્ષણાત્મક એવા હાથવગા હથિયાર કોરોના વેક્સિનના 10 કરોડથી વધુ ડોઝ નાગરિકોને આપવાની સિદ્ધિ ગુજરાતે પ્રાપ્ત કર્યા છે. ગુજરાતમાં કોરોના વેક્સિનેશનનો પ્રારંભ સમગ્ર દેશ સાથે 16મી જાન્યુઆરી-2021થી કરવામાં આવ્યો હતો. તા.31 જાન્યુઆરી-2021થી ફ્રંટલાઇન વર્કર્સનું રસીકરણ શરૂ કરનારૂં ગુજરાત દેશમાં પ્રથમ રાજ્ય બન્યું હતું. ત્યાર બાદ આ વધારે એક સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
ગાંધીનગર : કોરોના મહામારી સામે રક્ષણાત્મક એવા હાથવગા હથિયાર કોરોના વેક્સિનના 10 કરોડથી વધુ ડોઝ નાગરિકોને આપવાની સિદ્ધિ ગુજરાતે પ્રાપ્ત કર્યા છે. ગુજરાતમાં કોરોના વેક્સિનેશનનો પ્રારંભ સમગ્ર દેશ સાથે 16મી જાન્યુઆરી-2021થી કરવામાં આવ્યો હતો. તા.31 જાન્યુઆરી-2021થી ફ્રંટલાઇન વર્કર્સનું રસીકરણ શરૂ કરનારૂં ગુજરાત દેશમાં પ્રથમ રાજ્ય બન્યું હતું. ત્યાર બાદ આ વધારે એક સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
રાજ્ય સરકારે આ વેક્સિનેશન અભિયાનને ઝૂંબેશના સ્વરૂપમાં ઉપાડીને સ્પેશિયલ સેશન, શાળા-કોલેજો શૈક્ષણિક સંસ્થાઓમાં ખાસ કેમ્પ, વૃદ્ધો અને અન્ય ગંભીર બિમારી ધરાવતા લોકોને નિયર ટુ હોમ સ્ટ્રેટેજી થકી પ્રાયોરિટી ધોરણે વેક્સિનેશન સહિત ‘હર ઘર દસ્તક’ અભિયાનથી રાજ્યભરમાં રસીકરણથી બહુધા લોકો રક્ષિત થઇ જાય તેની સતત કાળજી લીધી હતી. આ સઘન ઝૂંબેશ અને જનજાગૃતિના પ્રયાસો વેગવંતા બનાવી ગુજરાતમાં 18 વર્ષથી વધુ વયના 4 કરોડ 87 લાખ 11 હજાર 681 એટલે કે 98.8 ટકા લાભાર્થીને પહેલો ડોઝ, 4 કરોડ 59 લાખ 36 હજાર 481 એટલે કે પાત્રતા પ્રાપ્ત વયજૂથના 95.7 ટકાને બીજો ડોઝ આપી દેવાયો છે.
તા. 3 જાન્યુઆરી-2022થી 15થી 18 વર્ષની વયજૂથના બાળકોને કોવિડ વેક્સિન આપવાની કામગીરી શરૂ કરીને પાત્રતા ધરાવતા 35.50 લાખ બાળકોમાંથી 79.9 ટકા એટલે કે 28 લાખ 44 હજાર 496ને પહેલો ડોઝ અને 52.2 ટકા એટલે કે 10 લાખ10 હજાર 267ને બીજો ડોઝ આપીને સુરક્ષિત કરવામાં આવ્યા છે.
પ્રિકોશન ડોઝ આપવાની કામગીરી ગુજરાતમાં તા.10મી જાન્યુઆરી-2022થી શરૂ કરીને રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા હેલ્થવર્કર, ફ્રન્ટલાઇન વર્કર્સ તથા 60 વર્ષથી વધુ ઉંમરના કોર્મોબીડ લાભાર્થીઓને આવરી લઇને 16 લાખ 21 હજાર 138 પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યા છે. સમગ્રતયા રાજ્યમાં 10 કરોડથી વધુ વેક્સિનેશન ડોઝ તા.8મી ફેબ્રુઆરી સુધીમાં આપી દેવાયા છે.