સુરત : શહેરમાં ઓક્સિજનની ભારે અછત જોવા મળી રહી છે. ત્યારે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે.  આજથી હોમ કોરન્ટાઇન થઇને કોવિડ– ૧૯ની સારવાર લઇ રહેલા દર્દીઓ માટે ‘ઓકિસજન બેંક’કાર્યરત કરવામાં આવી છે. માત્ર હોમ કોરન્ટાઇન દર્દીઓને જ આ સુવિધા ઉપલબ્ધ થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, કોરોનાની વર્તમાન પરિસ્થિતિમાં દેશભરમાં કોવિડ– ૧૯ના દર્દીઓ માટે ઓકિસજનના બોટલોની અછત વર્તાઇ રહી છે. ગુજરાત રાજ્યમાં પણ કોરોનાના દર્દીઓ માટે ઓકિસજનની માંગ ઉભી થઇ છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અપીલને ધ્યાને લઇને ચેમ્બર દ્વારા ઓકિસજન બેંક શરૂ કરવાની તૈયારીઓ આરંભી હતી. દરમ્યાન ચેમ્બર દ્વારા આજથી ઓકિસજનના ૧૦૦ બોટલો સાથે ‘ઓકિસજન બેંક’ની શરૂઆત કરવામાં આવી છે. કોરોનાના જે દર્દીઓ ઘરે રહીને જ પોતાની સારવાર કરી રહયા છે એવા દર્દીઓના સગા–સંબંધિઓને યોગ્ય ડોકયુમેન્ટ્‌સને આધારે વિના મૂલ્યે ઓકિસજનના બોટલો આપવામાં આવશે.


તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં ૧૦૦ બોટલો સાથે ‘ઓકિસજન બેંક’ કાર્યરત કરવામાં આવી છે અને થોડા દિવસોમાં અન્ય ૩૦૦ જેટલા બોટલોની પણ વ્યવસ્થા કરવામાં આવશે. ઓકિસજનના બોટલોની સુવિધા મેળવવા માંગતા દર્દીઓના સગા–સંબંધીઓએ ફોન નંબર ૭ર૧૧૧૭૩૧૦૧ ઉપર સંપર્ક કરી કયા – કયા ડોકયુમેન્ટ્‌સ લાવવાના છે? તેની જાણકારી પ્રાપ્ત કરી શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube