અમદાવાદઃ ગુજરાતમાં માવઠા જે આગાહી હતી તે સાચી પડી...આખરે ગુજરાતમાં કમોસમી વરસાદ આવ્યો. અને એવો આવ્યો કે ખેડૂતોને જે ભીતિ હતી તે સાચી પડી...ક્યાંક તૈયાર પાકમાં નુકસાન ગયું...તો ક્યાંક માર્કેટિંગ યાર્ડમાં પડેલી જણસી પલડી ગઈ...શાકભાજીના પાકમાં પણ મોટું નુકસાન વેઠવાનો વારો ખેડૂતોને આવ્યો...ત્યારે ક્યાં કેવો પડ્યો વરસાદ અને તેનાથી કેટલું થયું નુકસાન?...જુઓ આ અહેવાલમાં..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેની આશંકા હતી જેનું પૂર્વાનુમાન હતું તે સાચુ જ પડ્યું...હવામાન વિભાગ અને હવામાન શાસ્ત્રીઓએ જે આગાહી કરી હતી તે સાચી પડી...ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં મોડી રાતથી કમોસમી વરસાદ વરસ્યો...ક્યાંક કરા સાથે તો ક્યાંક પવન સાથે મેઘસવારી આવી પહોંચી...ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વરસાદને કારણે રોડ રસ્તા અને ખેતરો ભીના થયા...વરસાદ તો સામાન્ય વરસ્યો પરંતુ તેનાથી આફત હવે મોટી આવી છે. અને આ આફત ખેડૂતો પર આવી છે.


વાત સાબરકાંઠા જિલ્લાની કરીએ તો માવઠાના મારથી પાકમાં રોગ આવવાની શક્યતાઓ પ્રબળ બની ગઈ છે...ખેતરમાં લહેરાતા ઉભા પાકની લણણી કરવાની તૈયારી હતી. ત્યાં જ માવઠાનો માર પડ્યો....કેટલાક ખેડૂતોએ પાક પર દવાનો છંટકાવ કર્યો હતો પરંતુ વરસાદ પડવાથી તે દવા ધોવાઈ ગઈ...ખાસ ઘઉં, બટાકા, વરિયાળી, ચણા, કોબીજ અને ફ્લાવરના પાકમાં નુકસાન જાય તેવી સંભાવના છે...પાકમાં ફૂગજન્ય રોગ આવવાની શક્યતાઓથી ખેડૂતો ચિંતિત બન્યા છે....


કયા પાકને નુકસાનની ભીતિ?
ઘઉં, બટાકા, વરિયાળી, ચણા, કોબીજ, ફ્લાવર
પાકમાં ફૂગજન્ય રોગ આવવાની શક્યતાઓ


બનાસકાંઠાના દાંતીવાડા, પાંથાવાડા, દાંતા, ઈકબાલગઢ અને ડીસામાં માવઠાનો માર પડ્યો હતો...વહેલી સવારથી જ જિલ્લામાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું...ત્યારબાદ આવેલા વરસાદથી એરંડા, બટાકા, જીરુ, ઈસબગુલ અને ઘઉં સહિતના પાકમાં નુકસાનની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે...


કયા પાકને નુકસાનની ભીતિ? 
એરંડા, બટાકા, જીરુ, ઈસબગુલ, ઘઉં 


તો અરવલ્લીમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું...જિલ્લામાં આવેલા કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન તો ગયું જ...સાથે સાથે જે તૈયાર પાક હતો તે માર્કેટિંગ યાર્ડમાં વેચવા માટે મુક્યો હતો...પરંતુ વરસાદને કારણે મગફળીની જણસી પલળી ગઈ...હવામાન વિભાગની આગાહી છતાં ખુલ્લામાં મગફળીનો જથ્થો મુકવામાં આવ્યો હતો...માત્ર તાડપત્ર ઉપલછલ્લી ઢાંકીને સંતોષ માની લેવાયો હતો...જેના કારણે મગફળી પલળી ગઈ હતી...આવી સ્થિતિ ઘણી જગ્યાએ થઈ છે...ગુજરાતમાં હજુ પણ વરસાદની આગાહી છે. આ વરસાદ આગામી દિવસોમાં ભારે મુશ્કેલી સર્જી શકે છે.


આ જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી
હવામાન વિભાગે છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, તાપી અને અમદાવાદમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરી છે. જ્યારે પાટણ, ખેડા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, મહીસાગર અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરી છે.


અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ, હજુ પણ રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ રહેશે. અરવલ્લી, ઈડર અને વડાલીના ભાગોમાં કમોસમી વરસાદ રહેશે. મહેસાણાના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ રહેશે. આણંદ, નડિયાદ, ખેડા તથા દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ રહેશે. શનિવારે પણ કમોસમી વરસાદ રહેશે.