અમદાવાદઃ શિયાળાની ફુલગુલામી ઠંડીનો અહેસાસ સૌ ગુજરાતીઓ કરી રહ્યા છે. વહેલી સવારે લોકો હાલ ઠંડીથી બચવા માટે જેકેટ પહેરીને બહાર નીકળી રહ્યા છે. પરંતુ તમારે હવે જેકેટની સાથે રેઈનકોટ પણ બહાર કાઢવા પડશે...કારણ કે આગામી દિવસોમાં રાજ્યમાં માવઠાની આગાહી હવામાન વિભાગે કરી છે. ઠંડી વચ્ચે કમોસમી વરસાદથી સૌથી વધુ ટેન્શનમાં ધરતીપુત્રો આવ્યા છે...ત્યારે ક્યારે અને ક્યાં આવશે વરસાદ?...જુઓ આ અહેવાલમાં...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બદલાદા ઋતુચક્રથી સૌ કોઈ ચિંતામાં છે. ગ્લોબલ વોર્મિગને કારણે જોઈએ તેનાથી વધારે ગરમી પડી રહી છે. તો ઠંડી ક્યાંક તિવ્ર તો ક્યાંક ઓછી પડી રહી છે. વરસાદમાં પણ કંઈક આવું જ છે. પરંતુ શિયાળામાં સામાન્ય રીતે ઠંડી પડતી હોય છે પરંતુ ગુજરાતમાં વરસાદની આગાહીથી સૌ કોઈ ચિંતામાં છે. જેમાં સૌથી વધુ ચિંતા ધરતીપુત્રોને થઈ છે...આ વખતે ચોમાસુ તો અતિવૃષ્ટી જેવું રહ્યું. વધુ વરસાદથી પાક નાશ પામ્યો...પરંતુ શિયાળામાં સારા પાકને આશાએ બેઠેલા ખેડૂતોને માવઠાનો મોટો માર પડે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે...


બે દિવસ બાદ એટલે કે 26થી 29 ડિસેમ્બર વચ્ચે ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી હવામાન વિભાગની સાથે જાણિતા હવામાન આગાહીકાર અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ પણ કરી છે...આ વરસાદ ખાસ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં પડી શકે છે...કયા જિલ્લામાં વરસાદ પડશે તેની વાત કરીએ તો...કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડનો સમાવેશ થાય છે.


આ પણ વાંચોઃ કાલથી શરૂ થશે કાંકરિયા કાર્નિવલ, આ કલાકારો 7 દિવસ સુધી લોકોને મનોરંજન કરાવશે


ક્યાં આવશે વરસાદ? 
ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં 
કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી
મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર
નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ


બંગાળની ખાડીમાં સર્જાયેલી એક ખાસ સિસ્ટમને કારણે ગુજરાતના આકાશમાંથી કમોસમી વરસાદ વરસવાની શક્યતાઓ છે. હવે માવઠાને બે દિવસ બાકી છે ત્યારે તેની અસર પણ કેટલાક જિલ્લાઓમાં જોવા મળી રહી છે. આકાશમાં કાળા દિબાંગ વાદળો છવાયેલા રહ્યા...વરસાદ પડુ પડુ હતો પરંતુ પડ્યો નહતો...હવે 26થી 29 ડિસેમ્બર વચ્ચે કેટલો વરસાદ પડે છે અને તેનાથી લહેરાતા પાકમાં કેટલું નુકસાન થાય છે તે જોવાનું રહેશે...બીજી તરફ અમદાવાદ સહિતના મહાનગરોમાં વહેલી સવારથી ધુમ્મસની ચાદર પથરાયેલી જોવા મળી હતી.


માવઠાના મારથી ખેડૂતોની માઠી દશા બેસે તો નવાઈ નહીં...હાલ શાકભાજીના ભાવ આમ પણ ઘણા વધારે છે. જો માવઠું આવ્યું તો લીલા અને તાજા શાકભાજી ભાવ આસમાને હશે તે નક્કી છે. શાકભાજી સિવાયના પણ બાગાયતી પાકોમાં પણ ઘણું નુકસાન જાય તેવું મનાઈ રહ્યું છે. ત્યારે આપણે સૌ આશા રાખીએ કે માવઠું આવે જ નહીં.