ગુજરાતની રાજનીતિમાં હડકંપ; સુસાઇડ નોટમાં આ ધારાસભ્યનું નામ લખી યુવકનો આપઘાત
જૂનાગઢ જિલ્લાના ચોરવાડના ઝુઝારપુર ગામે રહેતા યુવકે પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટનામાં સુસાઈડ નોટમાં મૃતક યુવકે ગીર સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત ત્રણ લોકોના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
ઝી બ્યુરો/જૂનાગઢ: જૂનાગઢના ચોરવાડમાં યુવકે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરતા ખળભળાટ મચી પામ્યો છે. આ ઘટનામાં ગુજરાતના ધારાસભ્યનું નામ આપ્યું છે. ધારાસભ્ય વિમલ ચૂડાસમા સહિત 3 લોકો મારી નાંખવાની ધમકી આપતા હોવાનો સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો છે. બીજી બાજુ બદનામ કરવા માટે યુવકની હત્યા થઈ હોવાનો વિમલ ચૂડાસમાએ દાવો કર્યો છે. હાલ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડીને ચોરવાડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ગળેફાંસો ખાઈને યુવકે ટૂંકાવ્યું જીવન
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, જૂનાગઢ જિલ્લાના ચોરવાડના ઝુઝારપુર ગામે રહેતા યુવકે પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટનામાં એક સુસાઈડ નોટ પણ મળી આવી છે. સુસાઈડ નોટમાં મૃતક યુવકે ગીર સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત ત્રણ લોકોના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. સાથે જ સુસાઈડ નોટમાં MLA સહિત 3 લોકો મારી નાખવાની ધમકી આપતા હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે.
પોલીસે શરૂ કરી તપાસ
આ અંગેની જાણ પરિવારજનો દ્વારા પોલીસને કરવામાં આવતા ચોરવાડ પોલીસની ટીમ તાત્કાલિક ઝુઝારપુર ગામે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. યુવકે સુસાઈડ નોટમાં MLA વિમલ ચુડાસમાનો ઉલ્લેખ કરતા ખળભળાટ મચી ગયો છે. હાલ ચોરવાડ પોલીસ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. તો પોલીસ દ્વારા મૃતક યુવાકના પરિવારજનો અને મિત્રોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.
નોટમાં MLAના નામથી ખળભળાટ
સુસાઈડ નોટમાં લખેલું છે કે, 'મારું નામ નીતિન જગદીશ પરમાર છે. હું અત્યારે ફાંસી ખાવ છું અને તેના જીમેદાર 3 વ્યક્તિઓ છે. (1) વિમલ કાના ચુડાસમા (સોમનાથ ધારાસભ્ય), (2) મનુભાઈ મકન કવા (રહે. પ્રાચી), (3) ભનું મકન કવા (રહે. પ્રાચી). આ ત્રણેય મને માનસિક ત્રાસ અને મારી નાખવાની ધમકી આપે છે. તેમના ત્રાસથી કંટાળીને હું ફાંસી ખાઈને જીવન ટૂંકાવું છું.'