અનોખો કિસ્સોઃ 14 પાલતુ પ્રાણી સાથે અમદાવાદ ફરવા આવી USની મહિલા
અમેરિકન મહિલા પોતાની સાથે 6 બિલાડી, 7 કૂતરા અને 1 બકરો લઈને અમદાવાદમાં આવી છે અને હવે તે હોટલવાળા માટે માથાનો દુખાવો બની ગઈ છે
અમિત રાજપુત/ અમદાવાદઃ અમદાવાદ શહેરમાં એક અનોખો કિસ્સો જોવા મળ્યો છે. અમેરિકાની એક મહિલા તેના 14 પાલતુ પ્રાણીઓ સાથે ગુજરાતમાં ફરવા આવી છે. તે અમદાવાદની એક હોટલમાં રોકાઈ છે. હવે આ મહિલા અને તેના પાલતુ પ્રાણીઓ હોટલ માલિક માટે એક નવી મુસિબત બની ગયા છે.
અમેરિકાનની 58 વર્ષની નોરેન ફ્લાવર નામની મહિલા ગુજરાત ફરવા આવી છે. તે પોતાની સાથે 6 બિલાડી, 7 કૂતરા અને 1 બકરો લઈને આવી છે. બકરાને તેણે હોટલના પાર્કિંગમાં બાંધ્યો છે અને અહીં તેને ચારો-ખાવાનું આપે છે. કુતરા અને બિલાડીઓને પણ તે પોતાની સાથે રૂમમાં રાખે છે.
આ મહિલા અમદાવાદના શાહઆલમમાં આવેલી હોટલ સિલ્વર સ્પ્રિંગમાં રોકાઈ છે. અમેરિકન મહિલાની સાથે રહેલા પ્રાણીઓને કારણે હોટલના માલિક માટે નવી મુસિબત પેદા થઈ ગઈ છે. આ મહિલાના પાલતુ પ્રાણીઓના કારણે હોટલમાં રહેતા અન્ય ગ્રાહકો તેનો વિરોધ કરી રહ્યા છે. હોટલ માલિકે જ્યારે મહિલાને આ બાબતે જણાવ્યું તો તેણે હોટલ છોડવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો. મહિલાએ કહ્યું કે, આ પ્રાણીઓ મારો પરિવાર છે અને હું તેમને મારી સાથે જ રાખીશ.