ઉત્તરાયણે બનેલી એક ઘટનાથી એક અમદાવાદીનુ જીવન એવુ બદલાયુ કે, જીવદયા માટે કર્યુ સમર્પિત
ક્યારેક જીવનમાં બનતી ઘટનાઓથી જીવનમાં એવો યુ ટર્ન આવે છે કે, જીવન ધરમૂળથી બદલાઈ જાય છે. આવુ જ કંઈક થયુ એક અમદાવાદી સાથે. એક અમદાવાદી સાથે ઉત્તરાયણના દિવસે એવો અકસ્માત બન્યો કે, તેમણે જીવદયાના ક્ષેત્રે પોતાનુ જીવન સમર્પિત કરી દીધું.
સપના શર્મા/અમદાવાદ :ક્યારેક જીવનમાં બનતી ઘટનાઓથી જીવનમાં એવો યુ ટર્ન આવે છે કે, જીવન ધરમૂળથી બદલાઈ જાય છે. આવુ જ કંઈક થયુ એક અમદાવાદી સાથે. એક અમદાવાદી સાથે ઉત્તરાયણના દિવસે એવો અકસ્માત બન્યો કે, તેમણે જીવદયાના ક્ષેત્રે પોતાનુ જીવન સમર્પિત કરી દીધું.
પાલડીમાં રહેતા લાલાભાઇ શાહે પોતાનું જીવન જીવદયાના નામે સમર્પણ કર્યું છે. 7 વર્ષ પહેલા તેમના ગળાના ભાગે તાર લપેટાઈ જતા અકસ્માત થયો હતો. તે સમયે તેમણે ભોગવવી પડી રહેલી પીડાનો અનુભવ થતા ઉતરાયણના સમયે પક્ષીઓના જીવ બચાવવા માટેનો નિર્ણય તેમણે કર્યો. આજે તેઓ ન માત્ર પક્ષીઓની પરંતુ કુતરાઓ અને વાંદરાઓનું પણ રેસ્ક્યુ કરી રહ્યા છે. ઉતરાયણના 7 દિવસમાં તેમને અંદાજે હજારથી બારસો પક્ષીઓનો રેસ્ક્યૂ કર્યા છે. રેસ્ક્યૂ માટે તેમણે તેમના ઘરની આસપાસ તમામ સુવિધાઓ ઉભી કરી છે. શેરી કૂતરાઓ માટે રહેવાની વ્યવસ્થા સાથે પક્ષીઓ દાણા ચણી શકે અને ખિસકોલીના બચ્ચા રહી શકે માટેની પણ વ્યવસ્થા તેમણે કરી છે.
આ પણ વાંચો : ઉત્તરાયણની રાત દંપતી પર કાળ બનીને આવી, ગામડી ચોકડી પાસે હિટ એન્ડ રનમાં બંનેનુ મોત
પૂછશો તો જાણશો એવા સ્લોગન સાથે તેઓ કામ કરે છે. તેઓ કેવી રીતે આ સેવાકાર્યમાં જોડાયા તે વિશે કહ્યું કે, એકવાર ઊંચી હાઈટથી ચેનલનો વાયર મારા ગળામાં પડ્યો હતો. એક્સિડન્ટ થયો ત્યારે અડધો કલાક સુધી કોઈ મદદે આવ્યુ ન હતુ. એક કાકા મારી મદદે આવ્યા હતા અને તેઓ મને હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યારથી મેં નક્કી કર્યુ કે હુ અબોલ પક્ષીઓના મદદે આવીશ.
ચકલીઓ ઘરે આવે તે માટે તેઓ કાર્યરત છે. લાલાભાઈ કહે છે કે, તેમના ઘરે રોજ લગભગ 200 થી 300 ચકલીઓ આવે છે. સીઝનમાં તો 500 થી 600 ચકલીઓ આવે છે. અમે લોકોને સમજાવીએ છીએ કે ચકલીઓ લુપ્ત નથી થઈ. પરંતુ જો તમે તેમના માટે દાણા-પાણી મૂકો તો ચકલીઓ તમારા ઘરે આવી શકે છે.
તેમના સાથમાં તેમના 10 થી 15 મિત્રો પણ સાથે આવ્યા છે. તેઓ પ્રાણીઓ માટે વેસ્ટમાંથી બેસ્ટ પ્રોડક્ટ બનાવે છે. કૂતરાઓ માટે તેઓ ડોગ હાઉસ બનાવે છે, જેથી રખડતા કૂતરાઓ તેમાં રહી શકે. વહેલી સવારે અને મોડી રાતના સમય તેઓ પ્રાણીઓ માટે ફાળવે છે. સાથે જ તેઓ ઉત્તરાયણ પર પ્રાણી બચાવ માટે મોટાપાયે કામ કરે છે.