બરફના તાંડવ સામે મોત જોઈને પરત આવેલા ગુજરાતી યુવકે કહ્યું, આંખના પલકારે અમે બરફ તળે દબાઈ ગયા
Uttarkashi Avalanche : ઉત્તરકાશીમાં બરફમાં ફસાયેલા લોકોને બચાવવાનું ઓપરેશન યથાવત... અત્યાર સુધીમાં 19 પર્વતારોહકના મોત, 10 લોકો હજુપણ લાપતા.. ત્યારે મોત જોઈને હેમખેમ પરત આવેલા પર્વતારોહ ઠક્કર સાથે ZEE 24 કલાકની ખાસ વાતચીત
અમદાવાદ :ઉત્તરકાશીમાં 70 કલાક કરતાં વધુ સમયથી ઓપરેશન ચાલુ છે. ઉત્તરકાશીના ડોકરાણી બામક ગ્લેશિયર વિસ્તારમાં રેસ્ક્યૂ ટીમે બુધવારે 19 પર્વતારોહકોના મૃતદેહો બહાર કાઢ્યા છે. 10 પર્વતારોહી હજી પણ લાપતા છે. . જોકે, ખરાબ હવામાનના કારણે રેસ્ક્યૂ ઓપરેશનમાં મુશ્કેલી પડી રહી છે. સેનાના જવાનો રેસ્ક્યૂ ઓપરેશનમાં જોતરાઈ ગયા છે. પરંતું પહાડો પર વાદળછાયા વાતાવરણથી ઓપરેશનમાં મુશ્કેલી આવી રહી છે. ત્યારે આ હીમ સ્ખલનમાં ફસાયેલા ગુજરાતના પાંચ યુવકો ફસાયા હતા. જેમાંથી ચાર યુવકોને બચાવી લેવાયા છે. માત્ર ભાવનગરના એક યુવક અર્જુનસિંહ ગોહિલનો હજી સુધી કોઈ અત્તોપત્તો નથી. તેની શોધખોળ હજી પણ ચાલુ છે. ત્યારે મોત જોઈને હેમખેમ પરત આવેલા પર્વતારોહ ઠક્કર સાથે ZEE 24 કલાકે ખાસ વાતચીત કરી.
દીપ ઠક્કરે હીમ સ્ખલન થયા બાદની સ્થિતિ વિશે કહ્યું કે, દ્રોપદી દંડા સર કરવામાં અમારે થોડું જ અંતર બાકી હતું, અમારી સાથે 34 જેટલા લોકો અને બીજા ઈન્સ્ટ્રક્ટર હતા. પરંતું હીમ સ્ખલન થતા અમે 6 થી 7 ફૂટ અંદર દબાયા હતા. અમારા પર બરફ પડ્યો, જેમાં અમે બધા બરફ તળે દબાયા હતા. અમે રેસ્ક્યૂ કરવા ટીમ આવી ગઈ હતી. હું પોતે પણ બરફમાં દબાયેલો હતો, મારી ઉપર ત્રણ ચાર લોકો દબાયેલા હતા. હું 6 7 ફીટ બરફમાં અંદર દબાયેલો હતો. મારું નસીબ સારું હતું કે મારું મોઢુ બહારની તરફ હતુ તો હું શ્વાસ લઈ શક્તો હતો. પણ મારી સામે બીજા પણ લોકો હતા, તેથી મને રેસ્કયૂ સરળતાથી કરી શકાયો હતો. બરફની બહાર કાઢવા માટે ખેંચીને બહાર કાઢવામાં આવ્યો હતો. મારી બચવાની શક્યતા ઓછી હતી. મને દવા આપીને ડાઉન કરાવડાવ્યો હતો. તેના બાદ મારી સ્થિતિ સારી થઈ.
અચાનક વાતાવરણ કેવી રીતે પલટાયું
દીપ ઠક્કરે જણાવ્યું કે, અમે નીકળ્યા હતા હતા તે સમયે વાતાવરણ બહુ જ સારુ હતું. વરસાદ થોડો હતો. પણ પહાડોમાં જવાનો સમય હતો ત્યારે પણ વાતાવરણ ખુલ્લુ અને ખુશ્નુમા હતું. અમને હતું કે, આના કરતા સારો દિવસ બીજો કોઈ હોઈ જ ન શકે. આ વિસ્તારમાં 65 થી 70 વર્ષોમાં ક્યારેય એવેલાન્ચ આવ્યો જ નથી. તેથી અમે સર કરવાની ખુશીમાં હતો. પરંતુ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને બરફનો પહાડ ધસી પડ્યો હતો.
તેણે કહ્યં કે, એકાએક પલટો આવ્યો ત્યારે પરિસ્થિતિ ખૂબ ભયાનક હતી. એક પલક ઝપકતા બધા ટ્રેઈની ધોવાઈ ગયા હતા. એક સેન્ડમાં જ બધુ બન્યુ હતું. અમે સર કરવામાં માત્ર 15 મિનિટની દૂરી પર હતા. 100 મીટર જ બાકી હતા, પરંતુ તે પહેલા જ બરફ ધસી પડ્યો.