વાઇબ્રન્ટ ગુજરાત રસીકરણ બાબતે બિહાર અને હરિયાણા કરતા પણ પાછળ
ગુજરાત મોડલને અનુસરવાની વાતો આખા દેશમાં થઇ રહી છે જ્યારે ગુજરાતનાં વિકાસનું મોડેલ પાંગળુ થતુ દેખાઇ રહ્યું છે
ગૌરવ પટેલ/અમદાવાદ : ગુજરાત રોગ પ્રતિકારક રસી કરણમાં દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં પાછળ હોવાનુ વિશ્વ આરોગ્ય સંસ્થાના અહેવાલમાં ખુલ્યુ વિશ્વ આરોગ્ય સંસ્થાના ૨૧ રાજ્યો માટેના અહેવાલમાં રોગપ્રતિકારર રસીકરણમાં ૯૪.૫ ટકા સાથે પંજાબ પ્રથમ ક્રમે જ્યારે ગુજરાત 72.8 ટકા સાથે ૧૭ ક્રમે છેવાડાનું રાજ્ય બન્યુ બિહાર અને ઝારખંજ જેવા રાજ્યો ગુજરાતની આગળ રહ્યા અને દેશની સરેરાશ કરતાં પણ ગુજરાતની રસીકરણની સરેરાશ પાછળ રહી આ અહેવાલને લઇને કાંગ્રેસે રાજ્યની ભાજપા સરકારને આડે હાથ લીધી.
રાજ્યમાં હાલ ઓરી અને રૂબેલાની રસી બાળકોને આપવાની કાર્યક્રમ ચાલી રહ્યો છે.અનેક જગ્યાએ રસી મુકવાના કારણે બાળકોના મોત થયા હોવાનો આક્ષેપ પણ થયા છે.તો કેટલાંક વિદ્યાર્થીઓની રસી મુકવાના કારણે રીએક્શન આવ્યા હોવાની ઘટનાઓ પણ બની.ત્યારે વિશ્વ આરોગ્ય સંસ્થા WHO દ્રારા જાહેર કરવામાં આવેલા રોગપ્રતિકારક રસીકરણના આંકડાઓએ ગુજરાત મોડેલની પોલ ખોલી છે.
મોડેલ રાજ્યના દાવા કરતી ભાજપ સરકારના શાસનમાં ગુજરાત રોગપ્રતિકારક રસીકરણમાં રાષ્ટ્રીય સરેરાશ કરતા પણ પાછળ રહી ગયું છે. WHO દ્રારા જાહેર કરવામાં આવેલા 21 રાજ્યોના અહેવાલમાં રોગપ્રતિકારક રસીકરણમાં ગુજરાત 17માં ક્રમે છે. બિહાર, ઝારખંડ અને છત્તિસગઢ જેવા રાજ્યો કરતાં પણ ગુજરાત રસીકરણમાં પાછળ ધકેલાઈ ગયું છે. WHOના અહેવાલ મુજબ રોગપ્રતિકારક રસીકરણમાં પંજાબ 94.5 ટકા સાથે સમગ્ર દેશમાં પ્રથમ છે.
જ્યારે પશ્રિમ બંગાળ 93 કા સાથે બીજા ક્રમે અને છત્તિસગઢ 91.7 ટકા સાથે ત્રીજા ક્રમે છે.જ્યારે ગુજરાત 72.8 ટકા સાથે 17માં ક્રમે છે. સમગ્ર દેશમાં 78.38 રોગપ્રતિકારક રસીકરણ થયું છે. જેની સામે ગુજરાતમાં માત્ર 72.8 થયું છે.આમ દેશની સરેરાશ કરતાં પણ ગુજરાતની સરેરાશ ઓછી છે. આ અંગે કોંગ્રેસે ભાજપ પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે ભાજપ સરકારની નબળી કામગીરીને કારણે સીધી અસર લોકોના આરોગ્ય પર પડી છે. બાળકોને ડીપ્થેરીયા, ટીટાનસ, પરટ્યુસીસ જેવી રસી આપવામાં ગુજરાત પાછળ ધકેલાઈ ગયું છે.
રાજ્યના વિવિધ જિલ્લામાં 73 સામુહિક આરોગ્ય કેન્દ્ર, 219 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, 948 પેટા આરોગ્ય કેન્દ્રોની ઘટ છે. રાજ્યના 300 સામુહિક આરોગ્ય કેન્દ્રો અને 67 સરકારી હોસ્પિટલોમાં 1653 જગ્યાઓ ખાલી છે. સરકારી હોસ્પિટલોમાં વર્ગ-2ના આરોગ્ય અધિકારીઓની 45 ટકા જગ્યાઓ ખાલી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. રાજ્યની છ સરકારી મેડીકલ કોલેજોમાં 64 પ્રોફેસરો, 167 એસોસિએટ પ્રોફેસરો અને 240 આસિસ્ટન્ટ પ્રોફેસરોની જગ્યા લાંબા સમયથી ખાલી છે. રસી કરણમાં દેશના રાજ્યોની સ્થિતિ પર નજર કરવામાં આવેતો...
રાજ્યનું નામ | રોગપ્રતિરક્ષા રસીકરણ ટકાવારી |
પંજાબ | 94.5 |
પશ્ચિમ બંગાળ | 93 |
છત્તીસગઢ | 91.7 |
કેરાળા | 90.4 |
ઓરિસ્સા | 89.4 |
આંધ્રપ્રદેશ | 89 |
જમ્મુ કાશ્મીર | 88.8 |
તેલંગાણા | 87.9 |
હિમાચલ પ્રદેશ | 85.3 |
તામિલનાડુ | 85.2 |
ઝારખંડ | 82.7 |
બિહાર | 80.6 |
ઉતરાખંડ | 80.2 |
કર્ણાટક | 78.6 |
હરિયાણા | 76.9 |
મહારાષ્ટ્ર | 75.3 |
મધ્યપ્રદેશ | 73.7 |
ગુજરાત | 72.8 |
રાજસ્થાન | 71.9 |
ઉત્તરપ્રદેશ | 67 |
આસામ | 66.7 |