તૃષાર પટેલ, વડોદરા: વડોદરામાં સાયકલ સ્ટોર ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા મુસ્લિમ યુવકે દીવાસળીની સળીઓની મદદથી સાડા છ ફૂટની લંબાઈ ધરાવતી સરદાર પટેલની પ્રતિમા બનાવી છે. આગામી 31 ઓક્ટોબરના રોજ વિશ્વની સૌથી મોટી સરદાર સાહેબની પ્રતિમાનું લોકાર્પણ દેશના વડાપ્રધાન કરવા જઈ રહ્યા છે ત્યારે વડોદરાના આ યુવકે સરદારની પ્રતિમા બનાવી એકતાનો સંદેશ આપ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરાના આજવા રોડ પર આવેલા એકતા નગર ખાતે રહેતા અને સાયકલ સ્ટોર ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતાં હુસેન ખાં પઠાણ નામના યુવકે સરદાર પટેલને અનોખી રીતે જન્મદિવસની ભાવાંજલી આપી છે. હુસેન ખાંએ વર્ષ 2018ના મે મહિનામાં સરદાર પટેલની પ્રતિમા બનાવવાનું નક્કી કર્યું હતું અને એ પ્રતિમા બનાવવા માટે હુસેન ખાંએ 4265 જેટલા દિવાસળીના બોક્સ ખરીદ્યા હતા. આ ઉપરાંત હુસેન ખાં એ સરદાર પટેલની પ્રતિમા બનાવવા માટે સાત કિલો ફેવિકોલ અને 24 ફેવિકવિક નો ઉપયોગ કર્યો છે.


હુસેન ખાં ને સરદાર સાહેબની પ્રતિમા બનાવવા માટે છ મહિના જેટલો સમય લાગ્યો હતો. મહત્વનું છે કે હુસેન ખાં મુસ્લિમ કુટુંબમાંથી આવે છે અને ખૂબ જ નબળી આર્થિક સ્થિતિમાં રહી રહ્યા છે. તેમ છતાં દરેક કોમ ના તહેવાર હોય કે પ્રસંગો હોય હુસેન તેમની આ કળાના માધ્યમથી પ્રસંગો ઉચિત આર્ટ વર્ક કરી લેતાં હોય છે. થોડા સમય પહેલા ગણેશોત્સવ દરમિયાન હુસેનખા એ દીવાસળીની સળીથી 3.5 ફૂટના ગણેશ બનાવ્યા હતા.


ભારતના તમામ નાગરિકોને એકતા નો સંદેશ પહોંચાડવા માટે હુસેન ખાં એ સરદાર સાહેબ ની પ્રતિમા બનાવી છે. આવનારી 31 ઓક્ટોમ્બરના રોજ સરદાર પટેલની જન્મ જયંતીએ વિશ્વની સૌથી મોટા એવા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ દેશના વડાપ્રધાન કરવા જઈ રહ્યા છે. ત્યારે વડોદરાના આ કલાકારે સરદાર સાહેબની દીવાસળીની સળીની મદદથી બનાવેલ પ્રતિમાને કેવડિયા ખાતે મ્યુઝિયમમાં મુકાય એવી ઇચ્છા વ્યક્ત કરી છે.