વડોદરા : મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર 15ના ભાજપના કોર્પોરેટર આશિષ જોશી આજે વરસાદી કાંસમાં ઉતર્યા હતા. તેમણે તૂટેલી પાણીની લાઈનનું ભંગાણ શોધવા માટે કાંસમા ઉતરવું પડ્યું હતું. કાઉન્સિલરે અધિકારીઓ કોઇ કામ કરતા નહી હોવાનો આક્ષેપ મુક્યો હતો. અધિકારીઓ ન કરે તો કાંઇ નહી અમે જનપ્રતિનિધિ છીએ અમારે તો કરવું જ પડશે તેમ કહીને પોતે જ કાંસમાં ઉતર્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરા શહેરના વાઘોડિયા રોડ ઉમા ચાર રસ્તા પાસે એક સપ્તાહ પહેલાં વડોદરા કોર્પોરેશન દ્વારા વરસાદી કાંસની સફાઈ કરવા માટે સ્લેબ તોડીને સફાઇની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જો કે ત્યાર બાદ વરસાદી કાંસમાથી પસાર થતી પાણીની મુખ્ય લાઇનમાં લીકેજ હતું. જેના કારણે મુખ્યલાઇનનું પાણી કાંસમાંથી વહેતું હતું. જેના કારણે પૂર્વ વિસ્તારમાં પુરતા પ્રેશરથી પાણી નહી આવતું હોવાની લાંબા સમયથી ફરિયાદ મળી રહી હતી. સ્થાનિકોની રજુઆતને પગલે કાઉન્સિલર આશિષ જોષી દ્વારા અનેક વાર સંબંધિત અધિકારીઓને વારંવાર જાણ કરાઇ હતી. જો કે કોઇ કામ નહી થતા આખરે તેઓ પોતે જ કાંસમાં ઉતર્યા હતા. 


દરમિયાન વોર્ડ નંબર 15 ના ભાજપના કાઉન્સિલર આશિષ જોશીએ ઉમા ચાર રસ્તા પાસેના વરસાદી કાંસમાં તપાસ કરી હતી. જ્યાં કાસ ઉપરનો સ્લેબ તૂટી ગયો હોવાનું સામે આવ્યું હતું. તેઓએ 50 ફૂટ અંદર જઈને પાણીની મુખ્યલાઈનનું લીકેજ હોવાનું શોધી કાઢ્યું અને તેનો ઉકેલ લાવવાના પ્રયાસો આદર્યા હતા. 10 દિવસ અગાઉ પાણી પુરવઠાના અધિકારી તથા વોર્ડના ડેપ્યુટી એન્જિનિયરને આ અંગેની જાણ પણ કરી હતી. જો કે કોઇ કામગીરી નહી થતા તેમણે આ પગલું ઉઠાવવું પડ્યું હતું.