રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરા સહિત રાજ્યમાં લોકસભા ચૂંટણી માટે 23 એપ્રિલે મતદાન યોજાવાનું છે તે પહેલા જ વડોદરા કોંગ્રેસમાં જુથબંધી છતી થઈ છે. વડોદરા કોગ્રેસના પૂર્વ સાંસદ સત્યજીતસિંહ ગાયકવાડે ફેસબુક પર પોસ્ટ કરી પોતાની વ્યથા ઠાલવી છે. સત્યજીતસિંહે ફેસબુક પોસ્ટમાં લખ્યુ કે, કોંગ્રેસ કોંગ્રેસને જ હરાવે છે, ભાજપ કોંગ્રેસને નથી હરાવતી. આ પોસ્ટ બાદ વડોદરા કોંગ્રેસ કાર્યકરોમાં અંદરો અંદર ચર્ચા શરૂ થઈ છે. કોંગ્રેસમાં જુથબંધી ચરમસીમાએ વધી હોવાના સંકેત પૂર્વ સાંસદે આપ્યા છે. ત્યારે ચોક્કસથી પૂર્વ સાંસદની પોસ્ટ ચૂંટણી પહેલા કોંગ્રેસ માટે સંકેત સમાન છે. મહત્વની વાત છે કે સત્યજીતસિંહ ગાયકવાડે પણ વડોદરા લોકસભા બેઠક માટે ટિકીટ માંગી હતી અને હાલમાં તેમને વાઘોડિયા વિધાનસભા મતક્ષેત્રની જવાબદારી પક્ષે આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પૂર્વ સાંસદની પોસ્ટ મામલે વડોદરા શહેર કોંગ્રેસના પ્રમુખ તથા લોકસભા ચૂંટણીના ઉમેદવાર પ્રશાંત પટેલે કહ્યું કે, વડોદરામાં કોંગ્રેસમાં કોઈ જુથબંધી નથી. આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસ કોંગ્રેસને જીતાડવાની છે. કોંગ્રેસમાં કોઈ જુથબંધી નથી.


ઉલ્લેખનીય છે કે, વડોદરાની લોકસભા બેઠક પર વર્ષ 1997માં ભાજપના ઉમેદવાર જીતુભાઈ સુખડીયા સામે સત્યજીત ગાયકવાડનો માત્ર 17 મતથી વિજય થયો હતો.