વડોદરામાં કોરોના વાયરસને કારણે એક મહિલાનું મોત
વડોદરામાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 12 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. તો બે લોકોના મોત થયા છે.
વડોદરાઃ ગુજરાતમાં સતત કોરોના દર્દીઓની સંખ્યા વધી રહી છે. રાજ્યમાં કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 144 પર પહોંચી ગઈ છે. આજે નવા 16 પોઝિટિવ કેસ સામે આવ્યા છે તો વડોદરામાં એક મહિલાનું કોરોના વાયરસથી મોત થયું છે. આ મહિલા વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં રહેતા હતા. તેમની ઉંમર 62 વર્ષ છે. આ સાથે વડોદરામાં અત્યાર સુધી કુલ 2 લોકોના મોત થયા છે.
મહિલાની વિદેશ પ્રવાસની હિસ્ટ્રી
આ 62 વર્ષીય મહિલાને 18 માર્ચના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સારવાર દરમિયાન આજે સવારે તેમનું મોત થયું છે. શહેરની એસએસજી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલતી હતી. આ મહિલાએ શ્રીલંકાનો પ્રવાસ કર્યો હતો.
ગુજરાતમાં કોરોનાના 144 પોઝિટિવ કેસ
રાજ્યમાં કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 144 પર પહોંચી ગઈ છે. અમદાવાદમાં સૌથી વધુ 64 કેસ સામે આવ્યા છે. તો સુરતમાં 17 અને વડોદરામાં 12 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી 11 લોકોના મોત થયા છે.