વડોદરા : સસ્તા ભાવે સોનું આપવાની લાલચ આપી 72 લાખ રૂપિયા પડાવી લેવાના કેસમાં સહ-આરોપીને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ભુજથી ઝડપી લીધા હતા. ક્રાઇમ બ્રાન્ચે આરોપી અલીમહંમદ ઉર્ફે હાજી નુરમહંમદ સોઢાની ધરપકડ કરી હતી. હાલ આરોપીનો કોરોના ટેસ્ટ કરી આ ગુનામાં તેની સંડોવણી અને તેના સહ આરોપીઓ અંગે તપાસ આદરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હીના વેપારી સુરેશભાઇ રામજશ સિંગાનીયાએ વડોદરા ખાતે ફરિયાદ નોંધાવી હતી કે, અલીમહંમદ ઉર્ફે હાજી અને તેના સાગરીત ઇલિયાસ ઉર્ફે વીક્કી સીરાજખાન પઠાણે (રહે. તાંદલજા, વડોદરા) અકોટા સબ રજીસ્ટાર કચેરીની પાછળ કિશન રેસીડન્સીમાં આવેલ ઓફિસ ભાડે રાખી હતી. ઇલિયાસે પોતાની વિક્કી નામની ઓળખ આપી સુરેશભાઇ સિંગાનીયાને તા. 30 ડિસેમ્બર 2021ના રોજ દિલ્હીથી વડોદરા બોલાવ્યા હતા. તેમને સસ્તા ભાવે સોનું આપવાની લાલચ આપતા વેપારી પણ દોડી આવ્યો હતો. ઇલિયાસ ઉર્ફે વિક્કીએ સુરેશભાઇને વિશ્વાસમાં લેવા માટે પહેલા 100 ગ્રામ સોનું આપ્યુ હતું અને પછી પૈસા આપવાનું કહી વિશ્વાસ કેળવવાનો શરૂ કર્યો હતો. 


સુરેશભાઇને સસ્તુ સોનું આપવા માટે દિલ્હીથી અવારનવાર વડોદરા બોલાવતા હતાં અને હોટલમાં રહેવાની વ્યવસ્થા પણ કરાવી આપતા હતા. જો કે આ દરમિયાન સુરેશભાઇ પાસેથી બે આંગડિયા મારફતે નાણા મંગાવી સોનાની દિલ્હી ખાતે ડિલિવરી મળી જશે તેમ જણાવ્યું હતું. જો કે ડિલિવરી નહી મળતા વેપારીએ ફોન કરતા વધારે 42 લાખ રૂપિયા પડાવ્યા હતા. પુરતુ સોનું નહીં મળતા વધારાના નાણાની માંગણી કરતા ઇલિયાસે સુરેશભાઇને કચ્છના માંડવી ખાતે હાજી નામના વ્યક્તિ પાસેથી નાણા લઇ લેવા કહ્યું હતું અને તેમને કચ્છ બોલાવવામાં આવ્યા હતાં.


જ્યાં હાજી ઉર્ફે અલીમહંમદ અને તેના માણસો સલીમ તેમજ જયેશે સુરેશભાઇને એરગન જેવું હથિયાર બતાવી ધમકી આપી હતી કે "ઇતની દેર લગેલી ઔર કોઇ દેખને વાલા ભી નહીં હોગા, દિલ્હી દુર હો જાયેગી, માર કે સમંદર મે ડાલ દેંગે..." જ્યાર બાદ આરોપીઓએ સુરેશભાઇને બંધક બનાવી આંગડિયા મારફતે 30 લાખ રૂપિયા બીજા મંગાવ્યા હતા. આ પ્રકારે સસ્તા સોનાની લાલચ વેપારીને 70 લાખમાં પડી હતી.