હાર્દિક દિક્ષીત/વડોદરા :વડોદરા દુષ્કર્મ અને આપઘાત કેસ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગઈકાલે કહ્યુ હતું કે, આ મામલાનો ભેદ હવે બેથી ત્રણ દિવસમાં ઉકલાઇ જશે. તપાસ ટીમ આ કેસના ડિટેક્શનની ખૂબ નજીક છે. ત્યારે હવે આ કેસનો જલ્દી જ ઉકેલ આવે તેવી શક્યતાઓ દેખાઈ છે. આ કેસમાં મહત્વનો પુરાવો સાબિત થઈ શકે તે FSL નો રિપોર્ટ હજી સુધી ગાંધીનગરથી આવ્યો નથી. રેલવે પોલીસે જલ્દી રિપોર્ટ આપવા ગાંધીનગર FSL ને વિનંતી પત્ર લખ્યો છે. ત્યારે સોમવારે રિપોર્ટ આવે તેવી શક્યતા છે. રિપોર્ટ આવ્યા બાદ પોલીસ આરોપી સુધી જલ્દી પહોંચી શકશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સામુહિક દુષ્કર્મ બાદ આપઘાત મામલામાં પોસ્ટ મોર્ટમમાં કેટલીક નવી માહિતીઓ સામે આવી છે. મોત સમયે યુવતીના કપડા પલળેલા હોવાનું સામે આવ્યું છે. તો સાથે જ ગળામાં ફાંસો ખાધાના વી શેપ નિશાન પણ છે. જેથી પ્રાથમિક તપાસમાં યુવતીએ આપઘાત કર્યાનો FSL નો અભિપ્રાય છે. પરંતુ દુષ્કર્મ થયાની પુષ્ટિ પીએમ રિપોર્ટમાં થશે. દુષ્કર્મના વૈજ્ઞાનિક પુરાવા માટે FSL ની મદદ માંગવામાં આવી છે. પરંતુ લાંબો સમય થયો છતાં FSL નો રિપોર્ટ આવ્યો નથી. જેથી રેલવે પોલીસે જલ્દી રિપોર્ટ આપવા ગાંધીનગર FSL ને વિનંતી પત્ર લખ્યો છે. આવામાં સોમવારે રિપોર્ટ આવે તેવી શક્યતા છે. જે આ કેસમાં મહત્વનો પુરાવો સાબિત થશે. 


આ પણ વાંચો : દીકરીઓને દત્તક લઈને બે દંપતીએ કહ્યું, આખરે અમારો પરિવાર પૂરો થયો 


ઉલ્લેખનીય છે કે, આ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ, રેલવે પોલિસ, વડોદરા પોલિસ સહિતની ઘણી અનેક ટીમ કેસ સોલ્વ કરવામાં લાગી છે. અનેક દિવસોની મહેનત બાદ પોલિસને હવે સફળતા મળવા જઇ રહી છે. આ ટીમોએ આ કેસમાં 1000થી વધુ લોકોની ઉલટતપાસ કરી હતી અને અનેક પૂરાવાઓ એકત્રિત કર્યાં હતાં.


બીજી તરફ, વડોદરામાં અવાવરુ જગ્યા પર દુષ્કર્મની આ બીજી લાંછનરૂપ ઘટના છે. છતાં પોલીસ ઊંઘતી ઝડપાય છે. આવામાં વેક્સીન ગ્રાઉન્ડ દુષ્કર્મ ઘટના બાદ મોડેમોડે તંત્રની આંખો ઉઘડી છે. ગ્રાઉન્ડમાં અસામાજિક તત્વોને પ્રવેશતા રોકવા મહત્વનો નિર્ણય કરાયો છે. વેક્સીન ગ્રાઉન્ડ ફરતે તૂટી ગયેલી દીવાલની મરામત કરવાના અને તૂટી ગયેલી દીવાલો બનાવવા કલેક્ટરે આદેશ આપ્યા છે. કલેકટરના આદેશ બાદ દીવાલ બનાવવાનું કામ ત્વરિત શરૂ કરાયું છે. ઓછા સમયમાં કામ પૂર્ણ કરી દેવાશે. પરંતુ સવાલ એ છે કે, શું આવી ઘટનાઓ બાદ જ તંત્ર સલામતીના પગલા લેશે.