રવિ અગ્રવાલ/વડોદરા :પતિ, પત્ની ઔર વો, અને ઘરકંકાસના કારણે અનેક હત્યાના બનાવો બની રહ્યા છે. ત્યારે વડોદરામાં વધુ એક ડબલ મર્ડરનો બનાવ બન્યો છે. જેમાં પતિએ ઘરકંકાસના કારણે પોતાની જ પત્ની અને પુત્રીની નિર્દયતા પૂર્વક હત્યા કરી છે. પોલીસે આરોપી પતિની ધરપકડ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરાના સમા વિસ્તારના ચંદનપાર્ક સોસાયટીમાં રહેતા પત્ની શોભના પટેલ અને પુત્રી કાવ્યા પટેલના શંકાસ્પદ મોત થયા હતા. જે મામલે પોલીસે સયાજી હોસ્પિટલમાં પેનલ પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું, જે રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. જેમાં પતિએ જ પત્ની અને પુત્રીની નિર્દયતાપૂર્વક હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. 11 ઓક્ટોબરના રોજ પત્ની અને પુત્રી ગરબા રમીને ઘરે આવ્યા, ત્યારે આરોપી પતિએ પ્રિપ્લાન કરી આઈસ્ક્રીમ લાવી તેમાં ઉંદર મારવાની દવા ભેળવી પત્ની અને પુત્રીને ખવડાવી દીધી હતી. ત્યાર બાદ તે એક કલાક સુધી તેમની સાથે રહ્યો હતો, જેથી તેની નજર સામે જ બંનેનુ મોત થાય. ઉંદર મારવાની દવાથી મોત ન મળતા આખરે પતિએ રાત્રે પત્નીનું ગળું દબાવી અને પુત્રીનું ઓશિકાથી મોઢું દબાવી હત્યા કરી દીધી હતી. ત્યારબાદ બંનેના મૃતદેહો પાસે આરોપી પતિ બે કલાક સુધી બેસી રહ્યો અને બંનેના મોત થયાની ખાતરી થતાં તેને પત્ની અને પુત્રીને કઈ થઈ ગયું હોવાનું નાટક કરી પરિવારજનોને ઉઠાડ્યા હતા. પતિ પોતે જ બંનેને સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ ગયો હતો. જ્યાં તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા હતા. ખાનગી હોસ્પિટલના તબીબોને શંકા જતા બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. 


આ પણ વાંચો : નિરમા કેમિકલ્સમાં એક મહિનામાં ત્રીજી મોટી દુર્ઘટના, બકેટ તૂટતા એક કર્મચારીનુ મોત, 4 ઘાયલ


આ વિશે વડોદરા ડીસીપી ઝોન 4 ના લખધીરસિંહ ઝાલાએ જણાવ્યું કે, પોલીસે આરોપી પતિ તેજસ પટેલની ધરપકડ કરી છે. પોલીસ પૂછપરછમાં આરોપીએ પત્ની અને પુત્રીની હત્યા કર્યાની કબૂલાત કરી હતી. સાથે જ ઘરકંકાસના કારણે હત્યા કરી હોવાનું કબૂલ્ય હતું. તેજસ પટેલ ઘર જમાઈ તરીકે મૃતક પત્નીના ઘરે રહેતો હતો. સાથે જ જે સ્થળે નોકરી કરતો હતો ત્યાં એક મહિલા સાથે એકતરફી પ્રેમમાં પાગલ પણ હોવાનું પોલીસ સમક્ષ કબૂલાત કરી છે. 


પોલીસ પૂછપરમાં આરોપીએ હત્યાને અંજામ આપતા પહેલા ગૂગલ અને યુ ટ્યુબ પર ઝેરી દવાઓ વિશે સર્ચ કર્યું હતું, જેમાં રેટ કિલર, જહર કોણ કોણ સા હૈ, મોત કૈસે હોતા હૈ, હાઉ ટુ ગીવ ડેથ, રેટ કિલર વોટ ઇફેક્ટ ઓન મેન પોઈઝન, ધ રેટ કિલર પોઈઝન, હાઉ ટુ કિલ અ મેન વિથ પિલો, વગેરે સર્ચ કર્યું હતું. પોલીસ અધિકારીએ કહ્યું કે, આરોપી પતિ અને પત્ની વચ્ચે અવાર નવાર તકરાર થતી હતી, જેમાં પતિ પત્નીના જીદના કારણે ઘરજમાઈ તરીકે રહેતો હતો. આ કારણે આરોપીનો અહમ ઘવાતો હતો. સાથે જ આરોપી અન્ય મહિલાના પ્રેમમાં પાગલ હતો, જેની પત્ની શોભનાને ખબર પડી જતાં પણ બંને વચ્ચે ઘરકંકાસ રહેતો હતો. 


સમગ્ર મામલે પોલીસે આરોપી પતિને સાથે રાખી ઘરે તપાસ કરતા ઘટના છત પરથી ઉંદર મારવાની દવા મળી આવી હતી. સાથે જ પોલીસે આસપાસ રહેતા પાડોશીઓને પૂછતા ઉંદરનો ત્રાસ ના હોવાનું જાણવા મળ્યું, જેથી પોલીસે આરોપી પતિની કડકાઇથી પૂછપરછ કરતાં હત્યા કરવા માટે દવા લાવ્યો હોવાની કબૂલાત કરી હતી.