રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરાના છાણી વિસ્તારમાં એક મહિલા પર તેનો પતિ ચારિત્ર્ય પર શંકા કરતો હતો. રોજ પરિવારમાં ઝઘડો કરી પત્નીને લાત મારતો હતો. તેથી 27 વર્ષની પત્નીએ 42 વર્ષના પતિની અત્યંત ક્રૂર અને ઘાતકી રીતે હત્યા કરી નાંખી. આ અંગેની ફરિયાદ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. પોલીસે આરોપી મહિલાની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાના છાણી જકાતનાકા પાસે ટીપી-13 માં આવેલ વીએમસી ક્વાટર્સના મકાન નંબર 43 માં નવીનભાઈ વાળંદ પત્ની રંજન અને આઠ વર્ષના પુત્ર અને છ વર્ષની પુત્રી સાથે રહેતા હતા. રવિવાર રાત્રે નવીનભાઇ ઘરમાં ઉંઘી ગયા હતા અને પત્ની આગળના રૂમમાં બાળકો સાથે ઉંઘવા માટે આવી ગઇ હતી. દરમિયાન સવાર થતાં રંજનબેન પત્નીને જગાડવા માટે રૂમમાં ગયા હતા અને ગભરાઇને બહાર આવી બૂમાબૂમ કરી હતી. જેથી બાજુના મકાનમાં રહેતા 80 વર્ષીય સસરા ગોરધનભાઇ વાળંદ દોડી આવ્યા હતા. પત્નીએ સસરાને કહ્યુ હતું કે, મારા પતિ નવિન પથારીમાંથી નીચે પડી ગયો છે અને કશું બોલતો નથી. જેથી વૃદ્ધ પિતા રૂમમાં દોડી ગયા હતા. જ્યાં તેમણે જોયું કે પુત્રને ગળાના ભાગે અને પગે ઇજાઓના નિશાન હતા અને તે બેભાન અવસ્થામાં હતો. જેથી પત્ની રંજને 108 એમ્યુલન્સમાં ફોન કર્યો હતો અને એમ્બ્યુલન્સ આવી પહોંચી હતી. પતિને તાત્કાલીક સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યું હતું.


આ પણ વાંચો : દબંગ નેતા મધુ શ્રીવાસ્તવે કર્યો ટીમલી ડાન્સ, હાથમાં તીરકામઠું પકડીને બજારમાં ફર્યાં, જુઓ વીડિયો


નવીનભાઈના મોત અંગે પોલીસને શંકા ગઈ હતી. જેથી પોલીસે ઘટના અંગે પત્ની રંજનબેનની કડકાઈથી પૂછપરછ કરી હતી. જેમાં રંજન પડી ભાંગી હતી અને તેણે કબુલ્યું હતું કે પતિ તેના ચારિત્ર્ય પર શંકા કરતો હતો અને ઝઘડા કરતો હતો. પતિએ તેને લાત પણ મારી હતી. જેથી આ વાતનો બદલો લેવા તેણે પતિ નવીન રવિવાર રાત્રે ઉંઘતો હતો, ત્યારે દોઢ વાગ્યે લોખંડના ટુકડાથી તેનું ગળું દબાવી દીધું હતું. તેમજ વીજ વાયર તેના પગે વીંટી દીધો હતો અને કરંટ આપી તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. તેના બાદ આગળના રૂમમાં બાળકો પાસે ઉંઘવા આવી ગઇ હતી. જેથી તેના પર કોઇને શંકા ન જાય.


આ પણ વાંચો : કોંગ્રેસના દિગ્ગજ નેતાએ સ્વીકાર્યું, ‘અમારા 6 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે!’


રંજને પતિની રાત્રે દોઢ વાગ્યે કરપીણ હત્યા નિપજાવ્યા બાદ સવારે કોઇને તેના પર કોઇ શંકા ન જાય તે માટે તેણે નિયતક્રમ પ્રમાણે તેના પુત્ર અને પુત્રીને તૈયાર કરી અને સ્કૂલે પણ મોકલ્યા હતા. પતિ પત્ની વચ્ચે કાયદેસર લગ્ન પણ થયા ન હતા. માત્ર બંને એકબીજા સાથે રહેતા હોવાનું પોલીસ અધિકારીએ કહ્યું. સાથે જ આરોપી પત્ની રંજન અને મૃતક પતિ નવીન વચ્ચે ઉંમરનો પણ મોટો તફાવત હતો. મૃતક નવીનના પિતાએ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં પોતાની જ પુત્રવધૂ સામે હત્યાની ફરિયાદ નોંધાવી છે.


મહત્વની વાત છે કે નવીનની તેની પત્નીએ જ હત્યા કરતા બંને બાળકો નોંધારા બન્યા છે. કારણ કે પતિની હત્યા થઈ અને પત્ની હવે જેલમાં જશે. હાલમાં ફતેગંજ પોલીસે રંજને આટલી ક્રૂર રીતે પતિને મોતને ઘાટ ઉતાર્યો છે, ત્યારે આટલો મોટો પ્લાન બનાવવામાં તે એકલી જ હતી કે અન્ય કોઇ તેની સાથે સંડોવાયેલું છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.