`મોદી સે બડા મોદી કા નામ`: PM મોદીનું નામ લેતા જ વિદેશમાં માફ થઇ ગયું 60 લાખનું બિલ, જાણો શું છે ઘટના?
શહેરમાં રહેતા ડોકટર અનિલ ગોયલ પોતાના પરિવાર સાથે પેરિસ ફરવા માટે ગયા હતા. જ્યાં તેમની તબિયત લથડતાં પેરિસની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
જયંતિ સોલંકી/વડોદરા: PM નરેન્દ્ર મોદીનું નામ માત્ર લેવાથી શહેરના એક તબીબને વિદેશમાં જીવન દાન મળ્યું છે. જી હા તમને જાણીને નવાઇ લાગશે કે પેરિસની એક હોસ્પિટલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લેતાની સાથે જ શહેરના તબીબને VIP ટ્રીટમેન્ટ તો મળી જ પરંતુ સાથે સાથે ત્યાંના તબીબોએ 60 લાખ રૂપિયાનો ખર્ચ પણ માફ કરી દિધો હતો.
શહેરમાં રહેતા ડોકટર અનિલ ગોયલ પોતાના પરિવાર સાથે પેરિસ ફરવા માટે ગયા હતા. જ્યાં તેમની તબિયત લથડતાં પેરિસની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સામાન્ય રીતે કોઈ દર્દી જ્યારે હોસ્પિટલમાં જાય ત્યારે દર્દી પાસે તબીબો દ્વારા તેની પ્રાથમિક માહિતી લેવામાં આવતી હોય છે, અહી પણ કંઈક એવું જ થયું. ડો ગોયલે ભારતના ગુજરાત સ્ટેટમાંથી આવું છું તેમ કહેતા તબીબો કાંઈ સમજયા ન હતા, પરંતુ ત્યાર બાદ ડો. ગોયલે તબીબોને કહ્યું કે હું એ વડોદરા શહેરમાંથી આવું છું, જ્યાંથી નરેન્દ્ર મોદી ચૂંટણી જીતીને વડાપ્રધાન બન્યા હતા.
ડો ગોયલના આ શબ્દો સાંભળતાની સાથે જ પેરિસની હોસ્પિટલમાં હાજર તમામ લોકો હરકતમાં આવી ગયા અને જાણે કે કોઈ ઘરનું સભ્ય આવ્યું હોય તેમ કોઈ પણ જાતની ફોર્મલિટી કર્યા વિના તાત્કાલિક સારવાર શરૂ કરી દીધી. ડૉ ગોયલને હાર્ટમાં 90 ટકા બ્લોકેજ હોવા છતાં ફ્રાન્સના તબીબોએ કોઈ પણ લીગલ પ્રોસેસની પરવાહ કર્યા વિના સમયસર સફળ સર્જરી કરી તેમનો જીવ બચાવી લીધો હતો.
ડો. ગોયલના જણાવ્યા અનુસાર પહેલા દિવસે ઓપરેશન કરી હાર્ટની એક નસનું બ્લોકેજ દૂર કરવામાં આવ્યું હતું. બાદમાં થોડા દિવસો બાદ ફરી બીજુ નસનું બ્લોકેજ દૂર કરવા ઓપરેશન કરવાનું હતું. જેથી તેમને વિચાર્યું કે ભારત જઈને બીજી નસનું બ્લોકેજ દૂર કરાવી લઇશું. ત્યારે હોસ્પિટલના હેડ ત્યાં આવ્યા અને તેમણે કહ્યું અમે તમારા માટે કોઇ જોખમ લેવા નથી માંગતા. તમારા માટે હાલ મુસાફરી કરવી સલામત નથી. તમે ચિંતા ન કરો તમે અમારા મિત્ર છો. ત્યાંના તબીબોએ મેડિકલ બિલ અંગે કોઇ જ ચર્ચા સુધ્ધા કરી ન હતી. મારા પુત્રએ પોતાના બેંકનું ક્રેડિટ કાર્ડ આપીને સારવારનો ખર્ચ આપવાની તૈયારી બતાવી હતી. જો કે, ડોક્ટર્સે તેમાંથી કોઇ જ ટ્રાન્જેક્શન કર્યા વિના કાર્ડ પરત કરી દીધું હતું. જ્યારે મને રજા આપી ત્યારે પણ એક પણ રૂપિયો માંગ્યો નથી.
ડૉ. ગોયલે જણાવ્યું કે, મને છ દિવસ ફ્રાન્સની એ હોસ્પિટલના ICUમાં રાખવામાં આવ્યો. તેમજ બે વખત એન્જીયોપ્લાસ્ટી કરી તેનો કુલ ખર્ચ લગભગ 60થી 70 લાખ રૂપિયા થયો હતો. પરંતુ તેમણે એકપણ રૂપિયો વસૂલ્યો નથી અને સમગ્ર બિલ માફ કરી દીધું. કદાચ ભારતમાં પણ આવું ન બની શકે કે કોઇનું આટલું બિલ માફ કરી દેવામાં આવે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube