વડોદરામાંથી ઝડપાયું બોગસ માર્કશીટ કૌભાંડ, કોંગ્રેસના નેતાની સંડોવણી
એસઓજી પોલીસે મુકેશ પરમારના ઘરે દરોડા પાડી 41 બોગસ માર્કશીટો, 5 સર્ટીફીકેટો, 37 રબર સ્ટેમ્પ, કોમ્પ્યુટર, સ્કેનર, પ્રિન્ટર અને પેન ડ્રાઈવ જપ્ત કર્યા છે. એસઓજી પોલીસે ગ્રાહકો સાથે બોગસ માર્કશીટ માટે દલાલી કરતા પિનાકીન રાવલની પણ ધરપકડ કરી છે.
રવિ અગ્રવાલ, વડોદરા: વડોદરામાંથી નાપાસ થયેલા વિધાર્થીઓને બોગસ માર્કશીટ વેચવાનું મસ્તમોટુ કૌભાંડ એસઓજી પોલીસે ઝડપી પાડ્યું છે. એસઓજી પોલીસે કૌભાંડમાં ત્રણ આરોપીની કરી ધરપકડ છે જેમાં એક છે કોંગ્રેસ નેતાની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. વડોદરા એસઓજી પોલીસે બાતમીના આધારે અટલાદરા વિસ્તારમાં રહેતા ભુશીરા પટેલના ઘરે દરોડા પાડી બોગસ માર્કશીટનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું.
એસઓજીએ ભુશીરાની પૂછપરછ કરતા બોગસ માર્કશીટ અને લીવીંગ સર્ટીફીકેટ કોંગ્રેસ નેતા મુકેશ પરમાર બનાવતો હોવાની માહિતી સામે આવી છે. જેના આધારે એસઓજી પોલીસે મુકેશ પરમારના ઘરે દરોડા પાડી 41 બોગસ માર્કશીટો, 5 સર્ટીફીકેટો, 37 રબર સ્ટેમ્પ, કોમ્પ્યુટર, સ્કેનર, પ્રિન્ટર અને પેન ડ્રાઈવ જપ્ત કર્યા છે. એસઓજી પોલીસે ગ્રાહકો સાથે બોગસ માર્કશીટ માટે દલાલી કરતા પિનાકીન રાવલની પણ ધરપકડ કરી છે.
એસઓજી પોલીસની પુછપરછમાં ત્રણેય આરોપીઓએ અત્યાર સુધી 50 થી 60 જેટલી બોગસ માર્કશીટ લોકોને વેચી છે. એસઓજીએ આરોપી પાસેથી વડોદરાની એમ એસ યુનિવર્સીટી, અમદાવાદની ગુજરાત યુનિવર્સીટી, આણંદ સરદાર પટેલ યુનિવર્સીટી, ઓડિસાની સંમ્બલપુર યુનિવર્સીટી, એસ એસ સી અને એચ એસ સી બોર્ડની બોગસ માર્કશીટો જપ્ત કરી છે. આરોપીઓ ગ્રાહકને એક માર્કશીટ 20 થી 25 હજારમાં માર્કશીટ વેચતા હતા.
મહત્વની વાત છે કે વિવિધ યુનિવર્સીટીઓની બોગસ માર્કશીટ ઝડપાતા યુનિવર્સીટીના અંદરના અધિકારીઓ પણ શંકાના દાયરામાં આવ્યા છે. એસઓજી પોલીસે માંજલપુર પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરાવ્યો છે. ત્યારે પોલીસે ડુપ્લીકેટ માર્કશીટ કોણે કોણે લીધી છે તેમની પણ તપાસ શરૂ કરી છે તેમજ હાર્ડ ડિસ્કને એફ એસ એલ તપાસ માટે મોકલી આપી છે. ત્યારે બોગસ માર્કશીટ કૌભાંડમાં અન્ય કોણા કોણા નામ સામે આવે છે તે જોવું રહ્યું.