વડોદરાની હંસા મહેતા લાઈબ્રેરીનું વીજળી બિલ અડધું થઈ ગયું, જાણો શું થયું
વડોદરાની એમ એસ યુનિવર્સિટીની હંસા મહેતા લાઈબ્રેરી હંમેશા તેના કામોને લઈ ચર્ચામાં આવે છે, ત્યારે ફરી એકવાર હંસા મહેતા લાઈબ્રેરીના સત્તાધીશોએ એવું કામ કર્યું જેનાથી યુનિવર્સિટીને મોટો આર્થિક ફાયદો થયો છે. તેમજ પર્યાવરણની જાળવણી પણ થઈ રહી છે. ત્યારે હંસા મહેતા લાઈબ્રેરીમાં સોલાર પેનલ લગાવવામાં આવી છે.
એશિયાની સૌથી મોટી હંસા મહેતા લાઈબ્રેરીને ત્રણ વર્ષ પહેલા જ સત્તાધીશોએ કરોડો રૂપિયાનો ખર્ચ કરી સેન્ટ્રલી એસી બનાવી હતી. જેના કારણે લાઈબ્રેરીના વીજ બિલમાં મોટો વધારો થયો હતો. સવારથી રાત સુધી વીજળીની માંગમાં વધારો થતો લાઈબ્રેરીનું વીજ બિલનો આંકડો લાખોમાં પહોંચી ગયો હતો. ત્યારે હંસા મહેતા લાઈબ્રેરીના લાઈબ્રેરીયન મયંક ત્રિવેદીએ યુનિવર્સીટી સત્તાધીશોને લાઈબ્રેરીના છત પર સોલર પેનલ પ્રોજેક્ટ લગાવવા માટે પત્ર લખ્યો. જેથી યુનિવર્સિટી સત્તાધીશોએ માંગ સ્વીકારી સરકારમાં પ્રપોઝલ મોકલતા સરકારે ત્રણ માસમાં સોલર પેનલ પ્રોજેકટ લાઈબ્રેરીમાં લગાવી દીધી હતી. સોલર પેનલ પ્રોજેકટથી યુનિવર્સીટી લાઈબ્રેરીના વીજ બીલમાં સીધો જ 50 ટકાની રાહત થઈ છે. યુનિવર્સિટીના લાઈબ્રેરીયનના મતે યુનિવર્સીટીની વીજ બીલ પહેલા 2.20 લાખ દર માસે આવતુ હતું, પરંતુ સોલર પેનલ પ્રોજેકટ લગાવ્યા બાદ લાઈબ્રેરીને 50 ટકા એટલે કે 1 લાખ રૂપિયાની વીજ બીલની રાહત થશે.
સરકાર જયારે ગ્રીન એનર્જીનો કોન્સેપ્ટ લાવી છે ત્યારે યુનિવર્સિટી લાઈબ્રેરી સોલર પેનલથી સજજ થઈ છે તે ખુબ આવકારદાયક પગલું છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકાર દ્વારા તમામ સરકારી અને અર્ધ સરકારી ઈમારતો પર સોલાર પેનલ લગાવવાનો આદેશ કરાયો છે. જેને હેતુ રાજ્ય સરકાર દ્વારા વીજળીનું ઉત્પાદન વધારવા અને સૂર્ય ઉર્જાનો યોગ્ય ઉપયોગ કરવાનો છે. આ માટે ગુજરાત એનર્જિ ડેવલપમેન્ટ ઓથોરિટીને કામગીરી સોંપવામાં આવી છે. જેને લઈને એમ એસ યુનિવર્સિટીમાં ચાર સ્થળે કુલ 723 કિલોવોટની સોલાર પેનલ લગાવાવનો નિર્ણય લેવાયો હતો. જે પૈકી ટેકનોલોજી ફેકલ્ટી ખાતે 312 કિલોવોટની સોલાર પેનલ, હંસા મહેતા લાઈબ્રેરીમાં 130 કિલોવોટની પેનલ, સી.સી મહેતા ઓડિટોરિયમમાં 130 કિલોવોટ અને યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે 150 કિલોવોટની પેનલ લગાવવામાં આવી છે. આ સોલાર પેનલથી યુનિવર્સિટીને વાર્ષિક અંદાજે 80 લાખ જેટલી બચત થઈ શકશે. જેનો ઉપયોગ અન્ય કામમાં લઈ શકાશે. ચાર સ્થળે કુલ 723 કિલોવોટ સોલાર પેનલ લગાવાઈ છે. જે સોલાર પેનલમાં એક પેનલ યુનિટનું ઉત્પાદન દિવસ દરમિયાન કરાશે. જેનાથી રોજનું 3615 યુનિટ, મહિને 1,08,450 યુનિટ અને વાર્ષિક 13,01,400 યુનિટનું ઉત્પાદન થશે.