વડોદરામાં હાસ્યસ્પદ કિસ્સો! તંત્રની ભૂલના કારણે યુવકના ચૂંટણી કાર્ડમાં ફોટાની જગ્યાએ લાઈટ બીલ છપાયું
ઈલેક્શન કાર્ડમાં લાઈટ બિલનો ફોટો માઈક્રો લેવલનો હોવાથી તે કોના ઘરનું છે, તેની તો જાણ નથી. જોકે તંત્રની એક ભૂલના કારણે કેનેડા ગયેલા યુવકને ફરીથી નવું ચૂંટણીકાર્ડ કઢાવવા ધક્કા ખાવા પડશે તે નિશ્ચિત છે.
રવિ અગ્રવાલ/વડોદરા: મતદાર યાદી સુધારણામા ગંભીર છબરડા તો અનેક જોયા હશે, પરંતુ વડોદરામાં તંત્રની ઘોર બેદરકારી અને બુદ્ધિનું પ્રદર્શન કરતી એક ઘટના સામે આવી છે. વડોદરામાં સમાના એક યુવકે ચૂંટણી કાર્ડ કઢાવ્યું હતું પરંતુ તંત્ર જાણે તેની સાથે મઝાક કરતું હોય તેમ તેના ઘરે આવેલા ચૂંટણી કાર્ડમાં તેના ફોટાને બદલે લાઈટ બિલનો ફોટો છપાઈને આવ્યો હતો. આ ઘટના હાલ ચારેબાજુ ચર્ચાનો વિષય બની છે. અરજી કરીને કેનેડા ગયેલા યુવકના ઘરે પોતાનું આવું ચૂંટણી કાર્ડ આવતાં પરિવાર પણ આશ્ચર્યમાં મૂકાયો હતો.
એટલું જ નહીં આ ચૂંટણી કાર્ડમાં અનેક ભૂલો જોવા મળી હતી. કાર્ડમાં નામ, સરનામું અને ફોટામાં ભૂલો જોવા મળી હતી. આજકાલ અનેક નાગરિકો પોતાનું નવું ચૂંટણી કાર્ડ માટે આખો દિવસ લાઈનમાં ઉભા રહીને ચૂંટણી કાર્ડ કઢાવે છે, ત્યારે તંત્રની ઘોર બેદરકારી ઘણું બધું કહી જાય છે. આ ઘટના વિશે જ્યારે કર્મચારીને પુછવામાં આવ્યું ત્યારે તેને ગરુડા એપમાં ખામી હોવાથી ભૂલ થઈ હોવાનું રટણ કરીને છૂટવાનો પ્રયત્ન કર્યો હતો.
આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે વડોદરામાં ન્યૂ સમા વિસ્તારમાં રહેતા યુવકે 18 વર્ષ પુરા થતા તેણે મતદાર જાગૃતિ કાર્યક્રમના ઝુંબેશ હેઠળ પોતાનું ઈલેક્શન કાર્ડ કઢાવ્યું હતું. ત્યારબાદ તે કેનેડા ગયો હતો. પરંતુ ગત બુધવારે તેના ઘરે પોસ્ટમાં આવેલા ઈલેક્શન કાર્ડ જોઈને પરિવાર રીતસરનો ડઘાઈ ગયો હતો. જી હા.. કારણ કે યુવકના ઈલેક્શન કાર્ડમાં ફોટાની જગ્યાએ લાઈટબિલ છપાઈને આવ્યું હતું.
ઈલેક્શન કાર્ડમાં લાઈટ બિલનો ફોટો માઈક્રો લેવલનો હોવાથી તે કોના ઘરનું છે, તેની તો જાણ નથી. જોકે તંત્રની એક ભૂલના કારણે કેનેડા ગયેલા યુવકને ફરીથી નવું ચૂંટણીકાર્ડ કઢાવવા ધક્કા ખાવા પડશે તે નિશ્ચિત છે.
એડ્રેસમાં પણ ભૂલો કરી
ચૂંટણી કાર્ડમાં છાપવામાં આવેલા જય પટેલના એડ્રેસમાં છબરડો છે. જેમાં ન્યૂ સમા રોડની જગ્યાએ ફતેગંજ વિસ્તાર લખી દેવામાં આવ્યો છે. આમ ફોટો ઉપરાંત એડ્રેસ પણ ખોટું છપાઈને આવ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ચૂંટણી શાખા દ્વારા આ પ્રકારની ગંભીર ભૂલો કરવામાં આવી હોવાનું આ પહેલાં પણ અનેક વખત બહાર આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube