ઠગબાજોનું છે ગજબનું ભેજું! ધો.12 પાસ યુવકે 4 હજાર સિમકાર્ડ ઇશ્યુ કર્યા, આ રીતે લોકોને બનાવ્યા નિશાન
સમગ્ર મામલે પોલીસ દ્વારા ક્રિષ્ણાકુમાર છગનસિંઘ રાજપુરોહિત,રિન્કેશકુમાર અશોકભારતી ગોસ્વામી, હર્ષ કિર્તીભાઇ ચોધરી ની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપીઓ પાસેથી 6 મોબાઇલ અને 1 લેપટોપ મળી આવ્યું છે.
હાર્દિક દીક્ષિત/વડોદરા: તાજેતરમાં વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં રોકાણના નામે ઠગાઇના કિસ્સામાં ફરિયાદ આપવામાં આવી હતી. જેની તપાસમાં સાયબર ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. તપાસમાં ધો- 12 પાસ યુવકે અન્ય સાથે મળીને ત્રણ વર્ષમાં 4 હજાર સીમકાર્ડ ઇશ્યુ કર્યા હોવાનું સામે આવ્યું છે.
અલગ અલગ કંપનીના શેરોમાં રોકાણ કરાવ્યું
તાજેતરમાં જ એક નાગરિક દ્વારા ફરિયાદ આપવામાં આવી હતી. જેમાં જણાવ્યા અનુસાર, અજાણ્યા વોટ્સએપ નંબર પરથી એન્જલ વર્લ્ડ ફાઇનાન્સ કંપનીમાં શ્રદ્ધા પટેલ વાત કરતા હોવાનું જણાવીને અલગ અલગ કંપનીના શેરોમાં રોકાણ કરીને સારૂ વળતર મળે તેમ કહી રોકાણ કરાવ્યું હતું. જેના બદલામાં રૂ. 2.16 લાખ બેંક એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. ત્યાર બાદ અલગ અલગ મોબાઇલ નંબર પરથી સંપર્ક કરીને રૂ. 12.06 લાખ રોકાવ્યા છતા, વધુ રૂપિયા દબાણ કરતા હતા. જેથી શંકા જતા તેમણે રૂપિયા ભર્યા ન હતા. અને ભરેલા રૂપિયા પરત માંગતા ગઠિયાઓએ જવાબ આપવાનું અને ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું.
ડમી રીતે સિમકાર્ડ ઇશ્યુ થયાનો ખુલાસો
મામલાની તપાસમાં ગુનામાં વપરાયેલા મોબાઇલ નંબરની માહિતી મંગાવીને તપાસ કરતા ડમી રીતે સિમકાર્ડ ઇશ્યુ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. વધુ ઉંડાણમાં તપાસ કરતા સામે આવ્યું કે, આ રીતે ઘણાબધા સિમકાર્ડ ઇશ્યુ કરવામાં આવ્યા હતા. તથા ગુનામાં ઉપયોગમાં લેવાયેલા બેંક એકાઉન્ટ પરથી મળેલી માહિતીનું એનાલિસીસ કરતા સુરત અને મહેસાણાથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે પોલીસ ના હાથે ઝડપાયેલા આરોપીઓ મહેસાણા જિલ્લાના અંતરિયાળ ગામડામાં માંથી છેલ્લા અઢી વર્ષ થી આખું નેટવર્ક ચલાવતા હતા.આરોપીઓ દ્વારા ગામડાનાં ઓછું ભણેલા ડેટા નો દુરુપયોગ કરી સીમ કાર્ડ ઇસ્યુ કરાવવામાં આવ્યા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.
ભેજાબાજ ડિજિટલ સાક્ષરતા અભિયાનનું ટ્રેનિંગ સેન્ટર ચલાવતો
સમગ્ર મામલે પોલીસ દ્વારા ક્રિષ્ણાકુમાર છગનસિંઘ રાજપુરોહિત,રિન્કેશકુમાર અશોકભારતી ગોસ્વામી, હર્ષ કિર્તીભાઇ ચોધરી ની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપીઓ પાસેથી 6 મોબાઇલ અને 1 લેપટોપ મળી આવ્યું છે જેની હાલ ઝીણવટ ભરી તપાસ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે પોલીસે ઝડપેલા ત્રણ આરોપી પૈકી હર્ષ ચોધરી એ MSC (કેમીસ્ટ્રી) સુધીનો અભ્યાસ કર્યો છે. આ ભેજાબાજ પ્રધાનમંત્રી ગ્રામીણ ડિજિટલ સાક્ષરતા અભિયાન નું ટ્રેનિંગ સેન્ટર ચલાવતો હતો.ત્યારે ટ્રેનિંગ માટે આવતા ગામડાનાં લોકોના ફોટા અને ડેટાનો ઉપયોગ કરી રિન્કેસ ગોસ્વામીની મદદથી સિમકાર્ડ કઢાવી લેતો હતો. રીંકેસ ગોસ્વામીએ મહેસાણા, ગાાંધીનગર, બનાસકાઠા, પાટણના લોકોના નામે સીમ કઢાવ્યા હતા. ત્રિપુટીના બેંક ખાતાં તપાસતા પોલીસને એક કરોડ ઉપરાંતના આર્થિક વ્યવહારો મળી આવ્યા છે, ત્યારે પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.