ગુજરાતને સાયકલિંગમાં મેડલની સિદ્ધિ અપાવવા વડોદરાની રિદ્ધિ કરી રહી છે તનતોડ પરિશ્રમ
રિદ્ધિ ને હાલમાં તો બેવડી સિદ્ધિ મળી છે એવું કહી શકાય કારણ કે સાયકલિંગની રાજ્ય ટીમમાં તેની સ્પર્ધક તરીકે પસંદગી થઈ ચૂકી છે અને રનીંગ,સાયકલિંગ અને સ્વિમિંગ ની ત્રણ રમતો ભેગી કરીને જે એક રમત બની છે તેવી ટ્રાયથલોન ટીમમાં તે ત્રીજા અને અનામત ખેલાડી તરીકે પસંદગી પામી છે.
ગુજરાતમાં નેશનલ ગેમ્સનો ઔપચારિક પ્રારંભ થઈ ગયો છે અને વિધિવત પ્રારંભ માટે અવળી ગણતરી શરૂ થઈ ગઈ છે. ગુજરાત તરફથી વિવિધ રમતોની સ્પર્ધામાં ભાગ લેવાના છે તેવા જે ખેલાડીઓ સ્પર્ધા પૂર્વેની તાલીમના ભાગરૂપે આકરો પરિશ્રમ કરી રહ્યાં છે તેમાં વડોદરાની રિદ્ધિ કદમનો સમાવેશ થાય છે.
રિદ્ધિ ને હાલમાં તો બેવડી સિદ્ધિ મળી છે એવું કહી શકાય કારણ કે સાયકલિંગની રાજ્ય ટીમમાં તેની સ્પર્ધક તરીકે પસંદગી થઈ ચૂકી છે અને રનીંગ,સાયકલિંગ અને સ્વિમિંગ ની ત્રણ રમતો ભેગી કરીને જે એક રમત બની છે તેવી ટ્રાયથલોન ટીમમાં તે ત્રીજા અને અનામત ખેલાડી તરીકે પસંદગી પામી છે.
અત્યાર સુધી આ ત્રેવડી રમતમાં પ્રત્યેક રાજ્યની ત્રણ ખેલાડીની બનેલી ટીમો હરીફાઈમાં ઉતરતી. જો કે આ વખતે બે મુખ્ય ખેલાડી અને વિકલ્પરૂપે એક અનામત ખેલાડી એ રીતે ટીમ બંધારણ રાખવામાં આવ્યું છે. જો અગાઉ જેવું ટીમ બંધારણ રાખવાનો નિર્ણય લેવાય તો રિદ્ધિ આ બંને રમતોમાં રાજ્ય વતી રમી શકે છે.
સાયકલિંગ ની ટીમને હાલમાં અમદાવાદમાં કડી તાલીમ આપવામાં આવી રહી છે.સ્પર્ધકો એ ૮૦ કિલોમીટર સાયકલિંગ સ્પર્ધામાં કરવાનું હોય છે. ઓછામા ઓછા સમયમાં આ અંતર તય કરનાર હરીફો પ્રથમ ત્રણ સ્થાન માટે ચંદ્રક વિજેતા બનશે. રિદ્ધિ અને ટીમના તેના સાથીઓ હાલમાં બે કલાકમાં લગભગ ૬૦ કિલોમીટર સાયકલિંગ નો રિયાઝ કરી પોતાને સ્પર્ધા માટે તૈયાર કરી રહ્યાં છે. રિદ્ધિ સૈનિક સંતાન છે.તેના પિતા નરેશ કદમ નિવૃત્ત સૈનિક છે એટલે ઝઝૂમવાની જીજીવિષા એને વારસામાં મળી છે.એટલે ટ્રાયથલોન જેવી અઘરી રમત તે રમી શકે છે.
રિદ્ધિ ની દોડ, તરણ અને સાયકલિંગ માં કુશળતા ના આધારે તેની સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની સેન્ટર ઓફ એક્સેલન્સ યોજના હેઠળ પસંદગી થઈ હતી એવી જાણકારી આપતાં જિલ્લા રમત વિકાસ અધિકારી ક્રિષ્ણા પંડ્યાએ જણાવ્યું કે તેના હેઠળ તેને મફત પ્રશિક્ષણ,માસિક રૂ.૪૮૦૦ જેટલી શિષ્યવૃત્તિ,રમત માટે કીટ જેવા લાભો આપીને પ્રોત્સાહિત કરવામાં આવી હતી. નેશનલ ગેમ્સમાં તેના દેખાવના આધારે તે શક્તિદુત યોજના હેઠળ પસંદ થઈ શકે એવો તેમણે સંકેત આપ્યો હતો.રિદ્ધિ ત્રણેક વર્ષથી સાયકલિંગ કરે છે અને રાજ્યની સ્પર્ધાઓમાં ત્રણ મેડલ જીતી ચૂકી છે.