રવિ અગ્રવાલ/વડોદરા :રાજ્યના સૌથી મોટા ઓવર બ્રિજ પર વિવાદ ચાલી રહ્યો છે. વડોદરામાં જે બ્રિજ 2017 માં બનાવવાની જાહેરાત થઈ હતી તે હજુ પણ અધુરો છે. ત્રણ વર્ષમાં જે બ્રિજ બનવાનો હતો તે પાંચ વર્ષે પણ અધુરો છે. ગેંડા સર્કલથી મનીષા ચાર રસ્તા સુધીનો સાડા ત્રણ કિલોમીટરનો ઓવર બ્રિજ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. રણજિત બિલ્ડકોનને આ બ્રિજ બનાવવાનો કોન્ટ્રાક્ટ અપાયો છે. આજે વડોદરા કોર્પોરેશન ખાતે મેયર કેયુર રોકડીયા અને મ્યુનિસિપલ કમિશ્નરે બ્રિજ વહેલો બને એ મામલે મિટિંગ યોજી હતી. મેયર અને મ્યુનિસિપલ કમિશ્નર મનીષા ચાર રસ્તા ખાતે બ્રિજ નિર્માણની સ્થિતિ મેળવવા પહોંચ્યા હતા. 222 કરોડમાં બ્રિજ બનાવવાનો હતો. જેના રાજ્ય સરકારે 76 કરોડ ચૂકવ્યા છે. બાકીના પહેલીવાર 34 કરોડ કોર્પોરેશને સ્વર્ણિમ ગ્રાન્ટમાંથી ચૂકવ્યા છે. 


જ્યારે કે, આ વર્ષના બજેટમાંથી સ્વર્ણિમ ગ્રાન્ટના 60 કરોડ કોર્પોરેશને ચૂકવવાની જાહેરાત કરી છે. અન્ય નાણાં માટે વડોદરાના ધારાસભ્યો, મેયર અને ભાજપ સંગઠને મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. જોકે સરકારે હજુ સુધી સ્પષ્ટતા નથી કરી કે બાકીના નાણાં રાજ્ય સરકાર આપશે કે નહીં. સવાલ એ છે કે, સ્વર્ણિમ ગ્રાન્ટમાંથી જો વધુ નાણાં ચૂકવાશે તો શહેરનો વિકાસ કેવી રીતે થશે. ઝી 24 કલાકના અહેવાલ બાદ રાજ્ય સરકારે બ્રિજ માટે 100 કરોડ આપવાની જાહેરાત કરી છે.