રવિ અગ્રવાલ/વડોદરા :ગુજરાતમાં રખડતા ઢોરોનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. વડોદરાના રસ્તાઓ પર ક્યારેક માણસો કરતા વધુ રખડતાં ઢોરો જોવા મળે છે. આવામાં રખડતાં ઢોરોના ત્રાસને 15 દિવસમાં જ દૂર કરવાની શહેરના મેયરની જાહેરાત પોકળ સાબિત થઈ છે. ભાજપના વોર્ડ 11 નાં મહિલા ઉપપ્રમુખને જ ગાયે સિંગડે ભેરવી ફંગોળવાની ઘટના બની છે. ભાજપના મહિલા ઉપપ્રમુખ જાગૃતિબેન પાઠકને ગાયે સિંગડે ભેરવી ફંગોળતા માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. જેને કારણે તેમને 4 ટાંકા લેવા પડ્યા હતા. વોર્ડ નંબર 11 ની કચેરીથી પરત ઘરે જતા સમયે ગાયોનાં ઝૂંડે તેઓને અડફેટે લીધા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરામાં છેલ્લા 12 દિવસમાં શહેરમાં ગાયે ભેટી મારવાના બનાવ બન્યા છે. જેમાં મહિલા ઉપપ્રમુખ સહિત 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ત્યારે વડોદરાના વોર્ડ 11ના ભાજપના મહિલા ઉપપ્રમુખ જાગૃતિબેન પાઠક સાથે મેયર કેયુર રોકડીયાએ ફોન પર વાત કરીને તેમના ખબર અંતર પૂછ્યા હતા. જાગૃતિબેન પાઠકને ગાયે અડફેટે લેતાં માથામાં ગંભીર ઈજા પહોંચી છે. ત્યારે મેયરે સમગ્ર મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને વડોદરા પોલીસ કમિશનર સાથે પણ વાત કરી હતી અને ઢોરના માલિક સામે પોલીસ કડક કાર્યવાહી કરશે તેવુ જણાવ્યુ હતું.



સાથે જ મેયરે કહ્યું કે, ભાજપના વોર્ડ 11 ના મહિલા ઉપપ્રમુખ જાગૃતિબેન પાઠકને ગંભીર ઈજા પહોચી તે હત્યાના પ્રયાસની જેમ કહી શકાય. ઢોર માલિક સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરવા પોલીસ કમિશનરને વાત કરી છે. છેલ્લા બે માસમાં પાલિકાએ ઢોર માલિકો સામે કાર્યવાહી કરી છે. કોર્પોરેશને 1700 ઢોર પકડ્યા, 7500 ઢોરોનું ટેગિંગ કર્યું છે. પાલિકાએ 100 ઢોર માલિક સામે પોલીસ ફરિયાદ કરી છે. સી.આર.પાટીલની ટકોરને અમે ગંભીરતાથી અને પોઝિટિવ લીધી છે.