24 કલાકમાં જ વડોદરા પાલિકાના સૂર બદલાયા, નોનવેજ-ઈંડા પ્રતિબંધનો નિર્ણય પાછો લીધો
જાહેરમાં નોનવેજ (nonveg ban) અને ઈંડાની લારીઓ પર પ્રતિબંધ મૂકાયાની જાહેરાત કર્યાના 24 કલાકની અંદર જ વડોદરા (vadodara) મહાનગરપાલિકાને પોતાનો નિર્ણય બદલવાની ફરજ પડી છે. મોટાપાયે કરાયેલી જાહેરાત બાદ બીજા જ દિવસે વડોદરામાં નોનવેજ અને આમલેટની લારીઓ હાલ પૂરતી બંધ નહિ થાય તેવી બીજી જાહેરાત કરાઈ છે. આમ, વડોદરામાં આજથી બદલાયેલા નિયમ મુજબ જાહેરમાં નોનવેજ ઢાંકીને વેચવું પડશે.
રવિ અગ્રવાલ/વડોદરા :જાહેરમાં નોનવેજ (nonveg ban) અને ઈંડાની લારીઓ પર પ્રતિબંધ મૂકાયાની જાહેરાત કર્યાના 24 કલાકની અંદર જ વડોદરા (vadodara) મહાનગરપાલિકાને પોતાનો નિર્ણય બદલવાની ફરજ પડી છે. મોટાપાયે કરાયેલી જાહેરાત બાદ બીજા જ દિવસે વડોદરામાં નોનવેજ અને આમલેટની લારીઓ હાલ પૂરતી બંધ નહિ થાય તેવી બીજી જાહેરાત કરાઈ છે. આમ, વડોદરામાં આજથી બદલાયેલા નિયમ મુજબ જાહેરમાં નોનવેજ ઢાંકીને વેચવું પડશે.
વડોદરામાં નોનવેજ અને આમલેટની લારી બંધ કરાવવાનો મામલામાં પાલિકાએ પોતાનો નિર્ણય બદલ્યો છે. પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડોદરામાં હાલમાં નોનવેજ અને આમલેટની લારી બંધ નહિ કરાવાય. પરંતુ જાહેરમાં નોનવેજ વેચતા લારી ધારકોને કેટલાક નિયમોનું પાલન કરવુ પડશે. તેઓ હવે નોનવેજ ઢાંકીને વેચી શકશે. લારી પર વેચાતી ખાદ્ય સામગ્રી પર હાઇજેનિક સ્થિતિ જાળવવી ખૂબ જરૂરી છે. 10 દિવસ પાલિકાના અધિકારીઓ રોડ રસ્તા પર લાગતી લારીઓનું સર્વે કરશે. બાદમાં મેયરની અધ્યક્ષતામાં બેઠક કર્યા બાદ નિર્ણય લેવાશે.
આ પણ વાંચો : વલસાડમાં કમકમાટીભર્યો ત્રિપલ અકસ્માત, મ્યૂઝિક વ્યવસાય સાથે સંકળાયેલા પતિ-પત્નીનું સ્થળ પર મોત
ગઈકાલે કરાઈ હતી પ્રતિબંધની જાહેરાત
ગઈકાલે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્થાયી સમિતિ અધ્યક્ષ દ્વારા પણ અધિકારીઓની એક બેઠક બોલાવી નોનવેજ અને આમલેટની લારી ચલાવતી લારીઓ પર પ્રતિબંધ મૂકાયો હતો. 10 દિવસની મુદત આપી તેઓને જાહેર માર્ગો ઉપરથી હટી જવા સુચના આપવામાં આવી હતી. આમ, વડોદરા શહેરની હદમાં ક્યાંક પણ ઇંડા કે નોનવેજની લારી લગાવી શકાશે નહિ તેવી જાહેરાત કરાઈ હતી.
આ પણ વાંચો : રાજકોટમાં નોનવેજ પ્રતિબંધ બાદ પાલિકાએ બનાવ્યો એક્શન પ્લાન, હવે આ રીતે વેચી શકાશે
સૌથી પહેલી શરૂઆત રાજકોટમા થઈ હતી
નોનવેજ અને ઈંડાની લારીઓ પર પ્રતિબંધ લગાવવાની શરૂઆત રંગીલા રાજકોટથી થઈ હતી. રાજકોટના મેયર પ્રદિપ ડવે જાહેરમાં નોનવેજ અને ઈંડાની લારીઓ પર પ્રતિબંધ મૂક્યો છે. સાથે જ ગઈકાલે મોટાપાયે આ લારીઓ હટાવવાની કામગીરી પાલિકાના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી. જોકે, આ તમામ લારીધારકોને એક નક્કી કરાયેલ જગ્યા પર લારી ચલાવવાની પરમિશન આપવામાં આવશે.