ચિરાગ જોશી/ડભોઈ :સમગ્ર ગુજરાત સહિત ભારતભરમાં અનેક બાળકો જન્મે છે, પરંતુ વડોદરા જિલ્લાના એક સામૂહિક આરોગ્ય કેન્દ્રએ એક જ દિવસના માત્ર ૮ કલાકમાં જ 18 બાળકોની પ્રસૂતિ કરાવી ને ઇતિહાસ સર્જી દીધો છે. આ આરોગ્ય કેન્દ્ર બાળકોના ખિલખિલાટથી ગુંજી ઉઠતા બાળ પ્રેમી વાતાવરણ જોવા મળ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં મોટા ફોફળીયા ગામ આવેલુ છે. આ ગામમાં છોટુભાઈ પટેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે. નાનકડા એવા આ આરોગ્ય કેન્દ્રમાં આજે ઉત્સાહ જેવો માહોલ જોવા મળ્યો. તબીબોના કઠોર પરિશ્રમ અને આગવી સૂઝબૂઝ તથા વ્યવસ્થિત મેનેજમેન્ટને કારણે એક દિવસમાં માત્ર આઠ કલાકમાં 18 બાળકોને જન્મ કરાવવામાં આવ્યો છે. એક જ દિવસમાં હોસ્પિટલમાં આવેલી 14 મહિલાઓની પ્રસુતિ નોર્મલ પદ્ધતિથી કરવામાં આવી છે, જ્યારે ચાર જેટલી પ્રસૂતિ સિઝેરિયનથી કરવામાં આવી છે.


આ પણ વાંચો : ગરીબ દીકરીની જીવનભરની પૂંજી ચોરનાર આરોપીઓને આખરે સુરત પોલીસે પકડી પાડ્યા 


સમગ્ર કામગીરીમાં 6 ડોક્ટરો અને નર્સિંગ અને વોર્ડબોય સ્ટાફ સામેલ હતો. છતાં તમામે એકતા દર્શાવીને અને યોગ્ય પ્લાનિંગ કરીને 18 મહિલાઓની સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવી હતી. મહત્વની વાત તો એ છે કે, તમામ બાળકો તથા માતાઓનું સ્વાસ્થય એકદમ સારું છે. જરાપણ થાક્યા વગર તબીબોએ તમામ મહિલાઓની સમયસર પ્રસૂતિ કરાવી હતી, જે તેમની આવડત બતાવે છે. 



છેલ્લા 25 વર્ષથી શિનોર તાલુકાના મોટા ફોફળીયા ગામે ચાલી રહેલા છોટુભાઈ પટેલ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં વડોદરા જિલ્લાના છેવાડાના ગામોમાંથી અનેક લોકો સારવાર લેવા માટે આવતા હોય છે. જેમાં મુખ્ય સહયોગ શક્તિ કૃપા ચેરિટેબલ ટ્રસ્ટનો મળ્યો છે. આરોગ્ય કેન્દ્રના તબીબોની વાત કરીએ તો, 18 જેટલી મહિલાઓની સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવનાર તબીબોની ટીમમાં ડો. રીન્કુ ચોવટીયા, અલ્પેશ કવાડ, હિમા તાલપરા, વિભૂતિ ભટ્ટ, નિલેશ શાહ, ધ્રુમિલ પટેલ, એશા ભટ્ટનું નામ સામેલ છે. 


આ ટીમના સહયોગથી આ મિશન પાર પાડવામાં આવ્યું હતું. એક જ દિવસમાં 18 બાળકોને જન્મ કરાવવાનો રેકોર્ડ તૂટ્યો હતો.